મુંબઈ: કૉલેજમાં હિજાબ અને બુર્ખા પ્રતિબંધને લઈ વિદ્યાર્થીનિઓ પહોંચી હાઈકોર્ટ

મહારાષ્ટ્રની કેટલીક કૉલેજમાં હિજાબ અને બુર્ખા પર પ્રતિબંધ લગાવવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નવ વિદ્યાર્થીનિઓએ પોતાની કૉલેજના ક્લાસમાં હિજાબ, બુર્ખો અને નકાબ પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશનો પડકાર આપી બૉમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં વિદ્યાર્થીનિઓએ કહ્યું કે ચેમ્બુર ટ્રૉમ્બ એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને ડીકે મરાઠે કૉલેજ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ મનમાનીભર્યો, અયોગ્ય અને કાનુનની વિરુદ્ધ તથા વિકૃત છે. ન્યાયમૂર્તિ એએસ ચંદુરકરની અધ્યક્ષતાવાળી પીઠે આગામી સપ્તાહે આ અરજી પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

અરજી અનુસાર, 1 મેના રોજ કૉલેજના વોટ્સએપ ગ્રુપ પર નોટિસ સાથે એક સંદેશો મોકલવામાં આવ્યો. આ ગ્રુપમાં ફેકલ્ટીના મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સામેલ છે. ગ્રુપ પર મોકલવામાં આવેલી નોટિસમાં બુર્ખો, નકાબ, હિજાબ, બૈઝ, ટોપી અને સ્ટોલ પર પ્રતિબંધનો ઉલ્લેખ હતો. અરજી કરનાર વિદ્યાર્થીનિઓ સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનિઓએ કહ્યું કે ” આવો નિર્દેશ સત્તાના રંગ રૂપી પ્રયોગ સિવાય બીજુ કંઈ નથી.”

અરજીધારકોએ શરૂઆતમાં કૉલેજ મેનેજમેન્ટ અને પ્રિંસિપલને નકાબ, બુર્ખો અને હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા અનુરોધ કરતાં કહ્યું કે આને કક્ષામાં પસંદ, સમ્માન અને ગોપનીયતાના અધિકાર રૂપમાં અનુમતિ આપવામાં આવે. વિદ્યાર્થીનિઓએ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ અને ઉપ કુલપતિની સાથે સાથે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)સમક્ષ પણ નોટિસ વિરુદ્ધ રજૂઆત કરી હતી. આ નિર્ણય સામે વાંધો ઉઠાવતાં તેઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ નાગરિકોને શિક્ષા પ્રદાન કરવાની ભાવના જાળવી રાખવા હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો.

જોકે, જ્યારે તેમને આ બધા તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી તો વિદ્યાર્થીનિઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું કે નોટિસ વગર કોઈ કાનુની અધિકાર જારી કરવામાં આવે તો તે અમાન્ય અને ગેરકાનુની છે. અરજીમાં ઉચ્ચ ન્યાયાલય પાસે માંગ કરવામાં આવી છે કે નોટિસ રદ્દ કરવામાં આવે. આ સાથે જ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નકાબ, બુર્ખો, હિજાબ અરજીધારકોની ધાર્મિક આસ્થાનું અભિન્ન અંગ છે અને તેના પર પ્રતિબંધ લગાવવો તેના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.