મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ઝોન નક્સલ મુક્ત

નવી દિલ્હી: કુખ્યાત નક્સલી કમાન્ડર રામધેર મજ્જીએ આજે સવારે છત્તીસગઢના બકરકટ્ટામાં આત્મસમર્પણ કર્યું છે. રામધેર મજ્જી હિડમાના સમકક્ષનો નક્સલી માનવામાં આવે છે. તેની સાથે 12 અન્ય ખતરનાક નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. સેન્ટ્રલ કમિટી સભ્ય (CCM) રામધેર મજ્જી પર એક કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ નક્સલીઓના આત્મસમર્પણ સાથે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ઝોન સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની ગયું છે.

આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં રામધેર મજ્જી સિવાય ત્રણ ડિવિઝનલ વાઇસ કમાન્ડર અને અન્ય મુખ્ય સભ્યોનો સમાવેશ થાય છે. તેમની પાસેથી AK-47, INSAS અને SLR જેવાં ઘાતક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

નોર્થ બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો મજ્જી

પ્રાપ્ત માહિતી અનુસાર રામધેર મજ્જી નોર્થ બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો. તેણે ખૈરાગઢના કુમ્હી ગામ, બર્કટ્ટા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેની સાથે ડિવિઝનલ કમિટી મેમ્બર (DVCM) રેન્કના ચંદુ ઉસેંડી, લલિતા, જાનકી, પ્રેમ જેવા ખતરનાક નક્સલીઓએ પણ પોલીસ સમક્ષ હથિયાર મૂક્યા હતા. આમાંથી બે નક્સલીઓ પાસે AK-47 અને INSAS જેવાં હથિયારો હતાં. એ ઉપરાંત એરિયા કમિટી મેમ્બર (ACM) સ્તરના નક્સલી રામસિંહ દાદા, સુકેશ પોટ્ટમે પણ આત્મસમર્પણ કર્યું. જ્યારે પાર્ટી મેમ્બર (PM) લક્ષ્મી, શીલા, યોગિતા, સાગર અને કવિતાએ પણ પોલીસ સમક્ષ સમર્પણ કર્યું. પોલીસ આ તમામ નક્સલીઓની પૂછપરછ કરી રહી છે જેથી તેમના નેટવર્ક અને પ્રવૃત્તિઓ અંગે વધુ માહિતી મળી શકે.

31 માર્ચ, 2026 સુધીનો લક્ષ્યાંક

કેન્દ્ર સરકારે નક્સલવાદને સંપૂર્ણ ખતમ કરવા માટે 31 માર્ચ, 2026 સુધીનો સમયમર્યાદા નક્કી કરી છે. સુરક્ષા દળોએ પોતાના અભિયાનને વધુ તેજ બનાવ્યું છે અને છેલ્લા થોડા મહિનાઓથી નક્સલીઓ પર કડક કાર્યવાહી કરી રહી છે.

આ વર્ષમાં અત્યાર સુધી કેટલા નક્સલી મરાયા?

અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અત્યાર સુધી છત્તીસગઢમાં 281 નક્સલી અથડામણમાં મરાયા છે.