મુંબઈ: મહારાષ્ટ્ર નવો વિવાદ સર્જાયો છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી પર પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ તેમને પડકારશે તો તેઓ તેમના આરોપોના પુરાવા રજૂ કરશે. તેણે બીજેપી નેતાને પણ પડકાર ફેંક્યો અને કહ્યું કે તેની પાસે જે પણ વીડિયો છે, તે તેને સાર્વજનિક કરવા જોઈએ.
જ્યારે તેમના હાથમાં પેન ડ્રાઈવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દેશમુખે કહ્યું કે તેમાં ફડણવીસ સામેના તેમના આરોપોના પુરાવા છે. તેમણે કહ્યું,’જો મને ચેલેન્જ આપવામાં આવશે તો હું મારી પાસેનો વીડિયો રિલીઝ કરીશ. હું પુરાવા વગર બોલતો નથી.’
શું છે મામલો?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા દેશમુખે આરોપ લગાવ્યો હતો કે 2021માં ફડણવીસ (તે સમયે વિપક્ષમાં) દ્વારા મોકલવામાં આવેલ એક વ્યક્તિ તેમને મળ્યો હતો અને તેણે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને કેબિનેટ મંત્રીઓ તથા તત્કાલીન નાણામંત્રી અજિત પવાર અને તત્કાલીન પરિવહન મંત્રી અનિલ પરબને ફસાવે એવા અનેક સોગંદનામાં હતાં. ભૂતપૂર્વ પ્રધાને દાવો કર્યો હતો કે તે વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તેણે પોતાને મુકદ્દમાથી બચાવવા માટે આ સોગંદનામા પર સહી કરવી જોઈએ, પરંતુ તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
ફડણવીસે શું આપી ચેતવણી?
આ અંગે દેવેન્દ્ર ફડણવીસે દેશમુખને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વિભાજન પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના કેટલાક નેતાઓએ મને તેમના વિશે કેટલીક ઓડિયો ટેપ આપી હતી, જેમાં તેઓ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સચિન વાજે વિશે વાત કરી રહ્યા છે. જો મારા પર ખોટા આરોપો લગાવવામાં આવશે તો મારી પાસે આ પુરાવાને સાર્વજનિક કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’
બીજેપી નેતાએ કહ્યું હતું કે દેશમુખ જે કેસમાં પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપવાનો આરોપ છે તે કેસમાં નિર્દોષ છૂટ્યા નથી, તે ફક્ત જામીન પર બહાર છે.
અનિલ દેશમુખનો પલટવાર
ભાજપના નેતા ફડણવીસની ચેતવણી બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા દેશમુખે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, ‘ગઈકાલે મેં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકાર દ્વારા મારા પર દબાણ કર્યું હતું અને મને તે સમયે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર પર ખોટા આરોપો લગાવવાનું કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ પર મેં જે આરોપો લગાવ્યા છે તેનું વિડિયો રેકોર્ડિંગ મારી પાસે છે કે તેણે મને ખોટી રીતે ફસાવી દીધો. જો કોઈ મને પડકારશે તો હું તેનો પર્દાફાશ કરીશ.
તેમણે આગળ ઉમેર્યુ કે,’ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમની પાસે મારી કેટલીક વીડિયો ક્લિપ્સ છે, જેમાં મેં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરી છે. હું તેમને અપીલ કરું છું કે તેમની પાસે મારો જે પણ વીડિયો છે, તેઓ તેને સાર્વજનિક કરે.’