રશિયાના કામચાટકા પ્રદેશમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હીઃ રશિયાના કામચાટકા દ્વિપમાં બુધવારે સવારે 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. થોડા જ સમય પછી રશિયાના કુરિલ દ્વીપસમૂહ અને જાપાનના મોટાં ઉત્તર દ્વીપ હોક્કાઇડોના તટીય વિસ્તારોમાં સુનામી આવી હતી. જાપાન મીટિરિયોલોજિકલ એજન્સીએ જણાવ્યું છે કે લગભગ 30 સેન્ટિમીટર (અંદાજે એક ફૂટ) ઊંચી પહેલી સુનામી લહેર હોક્કાઇડોના પૂર્વ તટ પર આવેલા નેમુરો શહેર સુધી પહોંચી ગઈ હતી. અનેક દેશોમાં સુનામીની સાયરન વગાડવામાં આવી હતી.

રશિયા ઉપરાંત જાપાન અને અમેરિકાના કેલિફોર્નિયા તટે પણ સુનામીનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજ છે કે સમુદ્રમાં ત્રણ ફૂટ જેટલી ઊંચી લહેરો ઊઠે એવી શક્યતા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં વિનાશ વેરાય એવી ધારણા છે.

સ્થાનિક ગવર્નર વાલેરી લિમારેનકોના જણાવ્યા મુજબ પહેલી સુનામી લહેર પ્રશાંત મહાસાગરમાં રશિયાના કુરિલ દ્વીપોના મુખ્ય ગામ સેવેરો-કુરિલ્સ્કના તટીય વિસ્તારમાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકો સલામત છે અને જોખમ ટળી ન જાય ત્યાં સુધી ઊંચા વિસ્તારોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડોનેશિયા અને ફિલિપિન્સે પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે.

કામચટકાના ગવર્નર વ્લાદિમિર સોલોદોવે જણાવ્યું હતું કે આજનો ભૂકંપ ખૂબ જ મોટો હતો અને છેલ્લા ઘણા દાયકાઓમાં અનુભવાયેલા સૌથી શક્તિશાળી આંચકાઓ પૈકીનો એક હતો.

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા મુજબ, ઇક્વાડોરમાં ત્રણ મીટરથી ઊંચી સમુદ્રી લહેરો ઊભી થઈ શકે છે. રશિયામાં ભુકંપ બાદ હોનોલુલુ અને હવાઈમાં લોકો દરિયાકાંઠેથી દૂર જવા લાગ્યા છે. લોકોને દરિયાકાંઠે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

સુનામીની ચેતવણી બાદ જાપાનમાં લોકોને ટેરેસ ઉપર ચડી જતા જોવા મળ્યા છે. ઘણી જગ્યાએ લોકો બિલ્ડિંગ્સની છત પર જઈને સલામત જગ્યા શોધી રહ્યા છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે હવાઈ, ચીલી, જાપાન અને સોલોમન આઇલેન્ડ્સ સહિત આસપાસના વિસ્તારોમાં એક થી ત્રણ મીટર ઊંચી લહેરો ઊઠી શકે છે.