મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં છે. ત્યારે હવે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ તેમજ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે. વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા.
પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. 21 મે 2023 રવિવારના દિવસે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હવે ફરી આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે.
વિશ્વઉમિધામના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે
જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે.
ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે
મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ અને ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ છે.
