અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરેથી અષાઢી બીજની વહેલી સવારે 147મી રથયાત્રા પરંપરાગત માર્ગ પર શરૂ થઇ. અમદાવાદ શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ, મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર વિસ્તારમાં જઈ ભોજન અને વિરામ લઈ આગળ વધે છે.
ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનના દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ માથે મુકી ભજન કિર્તન કરતાં ભક્તજનો રથયાત્રામાં જોવા મળ્યા. રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો, ટેટૂ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે જોવા મળ્યા. જગદીશ મંદિરના દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને શ્રધ્ધાળુઓનું કોમી એકતા સમિતિઓએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. જગન્નાથજીની રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો, ભક્તો એ ભવ્ય સ્વાગત કર્યુ હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)