આ લડાઈ સંવિધાન બચાવવા માટેની હતી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો બાદ પોતાની પ્રતિક્રિયા આપી. પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું, આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ મોદી વિરુદ્ધ નહોતી. પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાનો આભાર માનું છું. અમારા I.N.D.I.A. ગઠબંધને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ ભાજપ, ઈડી, સીબીઆઈ વિરુદ્ધ પણ હતી. તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે પણ જોયું હશે કે જેવા જ ભાજપના હારવાના અહેવાલ આવ્યા તરત જ અદાણીના શેરોમાં પણ મોટો કડાકો આવ્યો. તમને આ લિંક સમજાઈ જવી જોઈએ. હવે લોકો એ વાતને સમજવા લાગ્યા છે કે મોદી ગયા તો અદાણી ગયા. સરકાર બનાવવાના સવાલ પર રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે ઈનકાર નથી કરી રહ્યાં, આવતીકાલે અમારા ગઠબંધનના સાથીઓ સાથે ચર્ચા કરીને આ મુદ્દે જવાબ આપીશું. રાહુલ ગાંધીએ એમ કહ્યું કે, દેશની જનતાએ વડાપ્રધાન મોદીને આ પરિણામો દ્વારા એમ પ કહી દીધું છે કે અમે તમને ઈચ્છતા નથી. દેશના સંવિધાનને બચાવવાનું કામ દેશના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. મજૂરો, ખેડૂતો, દલિતો અને આદિવાસી લોકોએ સંવિધાન બચાવવાનું કામ કર્યું છે.