આ વખતની ચૂંટણીમાં બે સુંદર અને જાણીતા ચહેરાઓ ખૂબ ચર્ચામાં રહ્યાં, એક તો અભિનેત્રી કંગના રનૌત અને બીજા બિહારના નેતા ચિરાગ પાસવાન. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ચિરાગ પાસવાને રવિવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી તરીકે શપથ લીધા. જ્યારે અભિનેત્રી કંગના રનૌત પણ મંડીથી ચૂંટણી જીતી સંસદ સુધી પહોંચી છે. તાજેતરમાં જ ચિરાગ પાસવાન અને કંગના રનૌતની મુલાકાત થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ કંગના અને ચિરાગની આ પહેલી મુલાકતા નહોતી. પહેલા પણ તેઓ સાથે કામ કરી ચૂક્યા છે.
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને સંસદ સંકુલમાં હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારના બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશેલી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સંસદ સંકુલમાં તેની મુલાકાત દરમિયાન ચિરાગ પાસવાન સાથે વાત કરતી જોવા મળી હતી. તેમની વાતચીતની ઘણી તસવીરો અને વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થયા છે અને તેમાં કંગનાને સંસદમાં ચિરાગને શુભેચ્છા પાઠવતી જોઈ શકાય છે. બંને એકબીજાને ભેટે છે અને બધા ચહેરા પર હાસ્ય જોવા મળે છે. કંગના પણ તેના ભૂતપૂર્વ કો-સ્ટારને મળીને ઘણી ખુશ દેખાતી હતી. બંનેની તસવીરો જોઈને ફેન્સ પણ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. કંગના અને ચિરાગ પાસવાનનું ખુબ જૂનુ કનેક્શન છે.
કંગના અને ચિરાગ વર્ષો પહેલા એક ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને ફિલ્મ ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત 2011ની ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં કરી હતી. જેમાં તેમની સાથે કંગના રનૌત પણ જોવા મળી હતી. ચિરાગ પાસવાને ફિલ્મમાં એક ટેનિસ પ્લેયરની ભૂમિકા ભજવી હતી જે સુપર મોડલના પ્રેમમાં પડે છે. આ ફિલ્મના સોન્ગ હજી પણ લગ્નમાં વગાડાય છે. ફિલ્મમાં “કટ્ટો ગિલેહરી…” આઈટમ સોન્ગ પણ છે. જેમાં ચિરાગ પાસવાન શ્વેતા તિવારી સાથે ડાન્સ કરતા દેખાય છે.
2010 અને 2011 માં બોલિવૂડમાં કામ કર્યા પછી ચિરાગ પાસવાને પોતાનો રસ્તો બદલી નાખ્યો અને 2014માં તે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે જમુઈ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને પ્રથમ વખત સાંસદ બન્યા.
ચિરાગ પાસવાનની અભિનેતાથી રાજકારણી સુધીની સફરમાં રસપ્રદ વળાંક આવ્યો. ચિરાગ અને કંગના બંનેએ સિલ્વર સ્ક્રીન પરથી રાજકારણમાં પ્રવેશ કર્યો, પાસવાન બિહારના હાજીપુર મતવિસ્તારમાંથી 2024ની લોકસભા ચૂંટણી લડ્યા અને 1.70 લાખ મતોના વિશાળ માર્જિનથી જીત્યા. કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડીથી જીતી છે.
ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાનના પિતા સ્વ.રામવિલાસ પાસવાન કેન્દ્રમાં મંત્રી હતા. ચિરાગે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
ચિરાગ પાસવાનની રાજકીય સફર
- વર્ષ 2019માં તેમના પિતા સ્વ. રામવિલાસ પાસવાન દ્વારા સ્થાપિત લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
- વર્ષ 2021 માં, તેમના કાકા અને હાજીપુરના સાંસદ પશુપતિ પારસના જૂથથી અલગ થયા પછી, તેમણે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ની રચના કરી અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
- વર્ષ 2014 માં, તેમણે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે જમુઈથી ચૂંટણી લડી અને તેમના હરીફ સુધાંશુ ભાસ્કરને હરાવ્યા.
- વર્ષ 2019 માં, તેમણે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે જમુઈથી ચૂંટણી લડી અને તેમના હરીફ ભૂદેવ ચૌધરીને હરાવ્યા.
- 2024ની લોકસભા ચૂંટણીમાં આરજેડીના શિવચંદ્ર રામને હરાવ્યા હતા. ચિરાગે શિવચંદ્ર રામને 1 લાખ 70 હજાર 105 મતોના માર્જિનથી હરાવ્યા.