“કેમ છે-કોનિચીવા ગ્રુપ” દ્રારા ગરબા-રાસ, જાપાનીઝ ગીતોની પ્રસ્તુતિ

અમદાવાદ: ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાત ૨૦૨૫માં તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે જાપાનના માનદ કોન્સ્યુલ અને IAFA, ગુજરાતના પ્રમુખના નેતૃત્વમાં ગુજરાતનું ૨૨ સભ્યોનું ગુડવીલ ડેલિગેશન ૬ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન જાપાનની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળ ગુજરાત-જાપાન મિશન અને સિસ્ટર સ્ટેટ અને સિસ્ટર સિટીની મિત્રતાના ભાગરૂપે શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ, હામામાત્સુ સિટી કાઉન્સિલ, હ્યોગો પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ અને કોબે સિટી કાઉન્સિલના અધિકારીઓને મળશે.ગુજરાત-જાપાન મિશનનો વિષય “કલ્ચરને નજીક લાવવું, હૃદયને જોડવું” (Bringing Cultures, Connecting Hearts) છે, જે “કેમ છે – કોનિચીવા” સાથે સંલગ્ન છે. “કેમ છે – કોનિચીવા ગ્રુપ”ની નવ મહિલા સભ્યોએ ઓસાકા-કાન્સાઈ એક્સ્પોના ભારત પેવેલિયનમાં પરંપરાગત ગરબા અને રાસ, લોકપ્રિય જાપાનીઝ ગીતો હાનામિઝુકી અને સાકુરા-સાકુરા અને બોલીવુડ મેડલી રજૂ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું હતું.આ પ્રસંગે ઓસાકા-કોબેના કોન્સ્યુલ જનરલ ચંદ્રુ અપ્પર, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ સંબોધન કર્યું હતું. ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા દિવસેને દિવસે વધી રહી છે અને બંને દેશો શૈક્ષણિક, વ્યવસાય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કાયમી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. AMAના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિતે જાપાન અને ગુજરાત વચ્ચેની સાંસ્કૃતિક સમાનતાઓ પર એક રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. IAFA ગુજરાતના ઉપપ્રમુખ દિવ્યેશ રેડિયાએ સમાપન પ્રવચન આપ્યું હતું અને ભારત પેવેલિયનમાં આ તક આપવા બદલ ગરીમા મિત્તલ(IAS), ડાયરેક્ટર, ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં નવ મહિલા સભ્યોએ પરફોર્મન્સ આપ્યું, કે જેમની સરેરાશ ઉંમર ૬૦ વર્ષ છે અને તેઓ વોલન્ટિરીલી આ ગુજરાત અને જાપાનની મિત્રતા માટે પ્રદાન કરી રહ્યા છે.