કર્ણાટક સરકાર રૂ. 420 કરોડને ખર્ચે કરાવશે જાતિ ગણતરી

બેંગલુરુ: કર્ણાટક સરકાર 22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર વચ્ચે જાતિ ગણતરી કરાવશે, જેમાં સામાજિક અને શૈક્ષણિક સર્વેક્ષણનો સમાવેશ થશે. CM સિદ્ધારમૈયાએ શુક્રવારે આ જાહેરાત કરી છે. આ સર્વેમાં અંદાજે રૂ. 420 કરોડનો ખર્ચ આવશે. સરકારે 2015માં થયેલા સામાજિક અને શૈક્ષણિક સર્વેક્ષણને રદ કરી દીધું હતું. ત્યાર બાદ સરકારે હવે નવો સર્વે કરાવવાનો નિર્ણય લીધો છે.

ડિસેમ્બર સુધી આપશે અહેવાલ

આ સર્વે કર્ણાટક રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા કરવામાં આવશે. પંચના અધ્યક્ષ મધુસૂદન આર. નાયક છે. આ સર્વેમાં રાજ્યના સાત કરોડ લોકોને સામેલ કરવામાં આવશે. જેમાં ધર્મ, જાતિ, શિક્ષણ, રોજગાર, જમીન અને સામાજિક-આર્થિક સ્થિતિ જેવી માહિતી એકત્રિત કરવામાં આવશે. પંચ ડિસેમ્બર સુધીમાં પોતાનો અહેવાલ સરકારને આપશે.

CM સિદ્ધારમૈયાએ આ કાર્યને સામાજિક ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે તમામ કન્નડ લોકોને સર્વેમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તમામ જાતિઓ અને ધર્મોના લોકોનો ડેટા રેકોર્ડમાં હશે, ત્યારે જ સામાજિક ન્યાય માટે ખાસ કાર્યક્રમો બનાવવા શક્ય બનશે.

ઑનલાઇન પણ લઈ શકાય છે ભાગ

દરેક ઘરને વીજળી મીટર નંબર સાથે જોડવામાં આવશે, જેને જિયોટેગિંગ કહેવામાં આવે છે. 1.5 લાખ ઘરો માટે આ કામ પહેલેથી જ પૂર્ણ થયું છે. ડેટા એકત્રિત કરવા માટે આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરવું પડશે. જેમનાં ઘરોમાં મોબાઇલ ફોન નથી, ત્યાં પણ સર્વે કરવામાં આવશે. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઇન પણ ભાગ લઈ શકાય છે.