કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલની અટકળો વચ્ચે PM મોદીની મહત્વની બેઠક

ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. જો કે, નડ્ડા થોડા સમય પછી બીજા કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી ગયા હતા. આ પછી અમિત શાહ અને પીએમ મોદીની મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી હતી.

છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાહ, નડ્ડા અને પાર્ટીના મહાસચિવ  બીએલ સંતોષે તાજેતરમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. માનવામાં આવે છે કે ત્રણેય નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી.

આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ, નડ્ડા અને બીએલ સંતોષ વચ્ચે કેબિનેટ ફેરબદલને લઈને વાતચીત થઈ હતી. આ પછી, ત્રણેય નેતાઓએ 28 જૂને પણ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

ભાજપે સંગઠનમાં આ ફેરફારો કર્યા છે

પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક બાદ ભાજપે ચાર રાજ્યોમાં પ્રમુખ પદની જવાબદારી આપી છે – ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ, આંધ્રપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી પુરંદેશ્વરી અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી તેલંગાણા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં વધુ છ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે. આ રાજ્યો કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે.

 

મંત્રીઓ જેપી નડ્ડાને મળ્યા

કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે BJP પ્રમુખ નડ્ડાએ મંગળવાર (4 જુલાઈ) અને બુધવારે (5 જુલાઈ)ના રોજ અનેક કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. છેલ્લા બે દિવસમાં નડ્ડા સાથે મુલાકાત કરનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.