ભારત-પાક વર્લ્ડ કપ મેચ અંગે જય શાહનું મોટું નિવેદન

ICC એ થોડા સમય પહેલા ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી હતી. હવે 5મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ મેગા ઈવેન્ટના કાર્યક્રમમાં કેટલાક ફેરફારોના સમાચાર આવી રહ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે શિડ્યુલમાં 2-3 ફેરફાર વિશે કહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. 15 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ નવરાત્રિનો પહેલો દિવસ છે, આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ આ મેચની તારીખમાં ફેરફાર અંગે જણાવ્યું છે. ટૂંક સમયમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

ભારતીય ટીમ આગામી ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર રમવાની છે. આ સિવાય 15 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે શેડ્યૂલમાં ફેરફારને લઈને એક ન્યુઝ એજન્સીને આપેલા નિવેદન અનુસાર, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવામાં આવે છે, તો એકથી વધુ મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે.

તારીખ બદલાશે સ્થળ નહીં

BCCI વતી જય શાહે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે જો ભારત-પાકિસ્તાન મેચનું શેડ્યૂલ બદલાશે તો તેની તારીખ જ બદલાશે સ્થળ નહીં. અહેવાલો અનુસાર, આગામી 2 થી 3 દિવસમાં ICC દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.