જાપાન ટેક અને ભારત ટેલેન્ટનું પાવરહાઉસઃ PM મોદી

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન પ્રવાસની શરૂઆત ભારત–જાપાન ઇકોનોમિક ફોરમને સંબોધન કરીને કરી હતી. જાપાન હંમેશાં ભારતની વિકાસયાત્રામાં એક મહત્વનો ભાગીદાર રહ્યું છે. મેટ્રો રેલથી લઈને મેન્યુફેક્ચરિંગ, સેમીકન્ડક્ટરથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી, જાપાનીઝ કંપનીઓએ ભારતમાં 40 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા અને નીતિઓમાં પારદર્શિતા છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને બહુ જલદી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મેન્યુફેક્ચરિંગ માટે આમંત્રણ આપતાં કહ્યું હતું કે આજે વિશ્વ માત્ર ભારત તરફ જોઈ રહી નથી રહ્યું, પરંતુ ભારત પર વિશ્વાસ પણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ.

PM મોદી આજથી બે દિવસીય પ્રવાસે જાપાન પહોંચ્યા છે. જાપાનમાં તેઓ વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે શિખર વાટાઘાટ કરશે. નવી દિલ્હીથી ટોક્યો જતાં પહેલાં PM મોદીએ જણાવ્યું હતું કે તેમનો જાપાન પ્રવાસ બન્ને દેશો વચ્ચેના સંસ્કૃતિ અને સભ્યતાના સંબંધોને મજબૂત બનાવવા માટેની એક તક પૂરી પાડશે.

અમે અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બન્ને દેશો વચ્ચેની ભાગીદારી છેલ્લાં 11 વર્ષમાં સતત અને મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. અમે અમારા સહકારને નવો વેગ આપવા, આર્થિક અને રોકાણ સંબંધોના વ્યાપ અને મહત્ત્વાકાંક્ષાઓને વિસ્તૃત કરવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમીકન્ડક્ટર સહિતની નવી અને ઊભરતી ટેક્નોલોજીમાં સહકાર આગળ વધારવાનો પ્રયાસ કરીશું, એમ તેમણે કહ્યું હતું.