રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને જય શાહે કરી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયાએ હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે પણ એક વીડિયો શેર કરીને ટીમ ઈન્ડિયાને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેણે વધુ એક મોટી જાહેરાત કરી છે.

BCCI સેક્રેટરી જય શાહ દ્વારા મોટી જાહેરાત

BCCI સેક્રેટરી જય શાહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જય શાહે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતાં કહ્યું કે, આ ઐતિહાસિક જીત માટે ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન. હું આ જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં, અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા, નવેમ્બર 2023માં, અમે 10 જીત બાદ દિલ જીતી લીધું પરંતુ કપ જીતી શક્યા નહીં.

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં આપણે દિલ જીતીશું, કપ પણ લહેરાવીશું અને ભારતનો ધ્વજ આપણા કેપ્ટને ફરકાવ્યો છે. આ જીતમાં છેલ્લી 5 ઓવરનો મોટો ફાળો હતો. હું આ યોગદાન માટે સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીત બાદ હવે પછીનો તબક્કો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો છે. મને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે આ બંને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું. ફરીવાર આપ સૌનો આભાર, જય હિંદ, જય ભારત, વંદે માતરમ.