નકલ કરવા માટે પણ અક્કલ જોઈએઃ ઓવૈસીએ લગાવી ફટકાર

નવી દિલ્હીઃ AIMIM નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી આજકાલ પૂરા જોશમાં છે. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફ અને સેનાપ્રમુખ અસીમ મુનિરને “મૂર્ખ જોકર” કહ્યા હતા અને ‘ઓપરેશન સિંદૂર’ વિશે પાકિસ્તાનના ખોટા પ્રચારને ઉજાગર કર્યો હતો.

વાસ્તવમાં પાકિસ્તાની સેનાપ્રમુખ અસીમ મુનિરે વડા પ્રધાન શહબાજ શરીફને ઓપરેશન બન્યાન અલ-મર્સસનું સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું અને ભારત સામે જીતનો દાવો કર્યો હતો, પરંતુ પછી જાણવા મળ્યું હતું કે આ તસવીર 2019ના ચીનના લશ્કરી અભ્યાસની હતી. આ મુદ્દે ઓવૈસીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે વસ્તુઓને સાચી રીતે નકલ કરવા માટે અક્કલની જરૂર હોય છે.

એ પછી જ ઓવૈસીએ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફ અને પાક સેના પ્રમુખ અસીમ મુનિરને ‘મૂર્ખ જોકર’ કહ્યા હતા. ઓવૈસીએ જે સ્મૃતિ ચિહ્નનો ઉલ્લેખ કર્યો, તે પાકિસ્તાનના વડા પ્રધાનને એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને ઉપ પ્રધાનમંત્રી ઈશાક ડાર પણ હાજર હતા.

 ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત ભારતના રાજનૈતિક સંપર્ક હેઠળ AIMIM સાંસદ ઓવૈસી હાલમાં કુવૈતમાં છે. ત્યાંથી જ તેમણે પાકિસ્તાનના નેતૃત્વ પર વધુ તંજ કસ્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન અને તેમના સેનાપ્રમુખને નકલ કરવા માટે પણ દિમાગ જોઈએ. આપણે બાળપણમાં સાંભળ્યું છે કે ‘નકલ કરવા માટે અક્કલ જોઈએ અને આ નાલાયકો પાસે તો અક્કલ પણ નથી’.