મુંબઈ: સમાજ જે વ્યક્તિને જે સન્માન જ્યારે આપવાનું હોય ત્યારે જો ન આપે તો એ એક ગુનો કરે છે. સમાજમાં ચાલતી એકવિધતા(મોનોટોની) માંથી કલાકાર કે લેખક-સર્જક સમાજને બહાર કાઢે છે. તેમની વંદના જો સમયસર ન થાય તો એ સમાજની કૃપણતા કહેવાય. પ્રતિભાવાન સર્જકોનું બહુમાન કરવું એ ગુજરાતી સાહિત્ય પરિષદની ધન્યતાનો વિષય છે. આ શબ્દો છે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીના.ગત ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૫નાં રોજ કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જાણીતા સાહિત્યકારો વર્ષા અડલજા, દિનકર જોશી તથા ઈલા આરબ મહેતાને સચ્ચિદાનંદ સન્માન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત ગુજરાતી ભાષભવનના સહયોગમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા, પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ સમારોહનું આયોજન થયું હતું.
તાજેતરમાં સાહિત્ય પરિષદે 2017 થી 2023 સુધીના કુલ સાત એવોર્ડ એકસાથે જાહેર કર્યા હતા, જેમાં ચાર પારિતોષિકો સતીશ વ્યાસ, દલપત પઢિયાર, રમણ સોની, અનિલા દલાલને નામે જાહેર થયા હતા અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રાંગણમાં એક સમારોહનું આયોજન કરીને આ સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. 2018 માટે વર્ષા અડાલજાને, 2019 માટે દિનકર જોષી અને 2020 માટે ઈલા આરબ મહેતાને નામે જાહેર થયેલા પારિતોષિકો આ સર્જકોનું બહુમાન કરવા માટે પરિષદ દ્રારા ખાસ આયોજન મુંબઇમાં કરાયું હતું. કારણ કે આ ત્રણેય સાહિત્યકારો વય અને તેમના સ્વાસ્થ્યને લીધે અમદાવાદ જઈ શકયા નહોતા. મુબંઈમાં પરિષદના મંત્રી ડો. સેજલ શાહે આ કાર્યક્રમની પૂર્વભૂમિકા સાથે કાર્યક્રમનો દોર સંભાળ્યો હતો.ત્રણ મહાન તત્વોની હાજરી
બહુ જ રસપ્રદ શૈલીમાં કે.ઈ.એસ.નાં પ્રેસિડન્ટ મહેશ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપતા ત્રણે મંચસ્થ સાહિત્ય સર્જકોને સાંકળીને કહ્યું હતું કે ઈલા રૂપી પૃથ્વીતત્વ, વર્ષા રૂપી જળતત્વ અને દિનકર રૂપી અગ્નિ-પ્રકાશતત્વ એમ ત્રણેય તત્વો અહીં ઉપસ્થિત છે. એમણે કહ્યું હતું કે આ પ્રસંગ નથી પરંતુ સમારોહ છે. સમારોહ એટલે સમ્યક આરોહણ એટલે કે સારી રીતે જ્યારે આરોહણ થાય ત્યારે એ પ્રસંગ ન બની રહેતા સમારોહ બની જાય છે. જેમ ભગિરથે તપ કરીને ગંગાને પૃથ્વી ઉપર ઉતારી એમ અમદાવાદથી સાહિત્ય પરિષદ સંસ્થા મુંબઇમાં આ ત્રણે તત્વો રૂપી સાહિત્યકારોનું સન્માન કરવા આવી એ સરાહનીય છે.
લેખિની સંસ્થાના પ્રમુખ, રંગભૂમિના કલાકાર અને વાર્તાકાર એવા પ્રીતિ જરીવાલાએ વર્ષાબેન અડાલજાનો, જાણીતા કવિ દિનેશ પોપટે દિનકરભાઈ જોષીનો અને કવિ, સંપાદક અને પ્રાધ્યાપિકા સેજલ શાહે ઈલા આરબ મહેતાનો ખૂબ રસાળ ભાષામાં સુંદર પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સેજલ શાહે તેમની આગવી શૈલીમાં કર્યુ હતું. ત્યારબાદ ત્રણે સર્જકોએ તેમની પોતાની સર્જનયાત્રા અને એમના મનોભાવો વ્યક્ત કર્યા હતા.અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું કામ
વર્ષાબેને કહ્યું હતું કે અમે સાહિત્યકારોએ ક્યારેક સભાનતાથી અથવા ક્યારેક સભાનતા વગર જુદી કેડી કંડારવાનો પ્રયાસ કર્યો છે. જીવનમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા પણ નક્કી કરેલી કેડી પકડી રાખી એટલે સામાન્ય જીવનને બદલે નવી કેડી કંડારી શકાઈ. તેમને કહ્યું હતું કે સર્જકનું કામ છે એક અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું. વર્ષાબેને તેમની વિવિધ વાર્તાઓ-નવલકથાઓ લખવા અંગેના રસપ્રદ તેમ જ સંઘર્ષમય અનુભવો જણાવવા સાથે શરૂઆતના વરસોના વિવિધ અનુભવોની ઈન્ટરેસ્ટિંગ વાતો પણ કરી હતી.
હવે જાતને ઓળખવાની મથામણ
દિનકરભાઈએ વિનમ્ર ભાવે જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ, કે.ઈ.એસ. અને સ્વામી સચ્ચિદાનંદ જેવુ આદરણીય નામ એ ત્રણે વચ્ચે બેસવાનું મળે એ નસીબની વાત કહેવાય. લેખક જ્યારે લખે છે ત્યારે એની પ્રેરણાનો સ્ત્રોત ખબર પડતો નથી. બૃહદ કથા મંજરી એ ચોથી સદીમાં પ્રાકૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એમાં વાર્તા કેવી હોવી જોઈએ એ સિધ્ધાન્ત સમજાવ્યો છે. વાર્તા લાંબી કે ટૂંકી ન હોય, મૌલિક તેમ જ રસપ્રદ હોવી જોઈએ. ૧૯૬૫ થી ૧૯૮૫ સુધી મેં માણસને ઓળખવાની મથામણ કરી છે. ત્યાર બાદ જાતને ઓળખવાની પ્રક્રિયા શરૂ થઈ,જે આજ સુધી ચાલુ છે. તેમણે પોતાની ‘પ્રકાશનો પડછાયો’ અને ‘મહામાનવ સરદાર’ નવલકથા વખતની સર્જનયાત્રા વખતના અમુક કિસ્સાઓ સંભળાવ્યા હતા.
શબ્દ અને અર્થ સાથે હોવા જોઈએ
ઈલાબેને પોતાની લેખન પ્રક્રિયા વિષે બોલતા કહ્યું હતું કે લખતી વખતે લોકોનો પ્રતિભાવ શું આવશે એ લેખકોને ખબર નથી હોતી. સાહિત્યમાં શબ્દ અને અર્થ સાથે હોવા જોઈએ અને વાક્ય રસપ્રદ હોય તો જ કાવ્ય અથવા સાહિત્ય બની શકે. જે કહેવું હોય એમાં પ્રતીકો હોવા જોઈએ અને જુદું હોવું જોઈએ. પોતાના સર્જન પુસ્તક ‘૩૨ પૂતળીની વેદના’ વિષે વાત કરતાં એમણે કહ્યું કે આપણા દેશમાં સ્ત્રીઓ સૌથી મોટી અભિનય સમ્રાટ છે. ઈલાબેના કહેવાનુસાર લેખક તરીકે મારી નજર સામે પાત્રો આવી જાય અને એ વિષે લખાઈ જાય છે. પેન કાગળને અડકે એટલે શબ્દ શરૂ થાય. એ ઈશ્વરની કૃપા છે અને અંતરનો આવિર્ભાવ છે. ‘જાણું છું ધર્મ તો પણ’ દુર્યોધન વિષેનું એમનું એક નવું પુસ્તક આવી રહ્યું છે એવી જાણકારી એમણે આપી હતી.
સર્જકતા કોઈની મોહતાજ નથી હોતી
સર્જકોના પ્રતિભાવ બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, જેઓ પોતે પણ એક કવિ, વાર્તાકાર, નિબંધકાર છે, તેમણે સમારોહનો દોર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણી ભાષાના ત્રણ સર્જકોને, ગદ્યકારોને પોંખવાનો અવસર છે. જેને કંઈ કહેવું હોય એને સમય હંમેશા ઓછો પડે છે. સર્જકતા કોઇની મોહતાજ નથી. સારા માણસની, મૌલિકતાની ઓછપ છે. લેખક પાસે મૌલિકતા હોય છે એટલે એ લેખક થાય છે. સાહિત્ય સર્જક પાસે ત્રીજી આંખ હોય છે. એમાં એક દર્શન હોય છે અને એ પોતાનું દર્શન લેખન દ્વારા વ્યક્ત કરે છે. સમાજ જે વ્યક્તિને જે સન્માન જ્યારે આપવાનું હોય ત્યારે જો ન આપે તો એ એક ગુનો કરે છે. યોગ્ય શક્તિઓની યોગ્ય સમયે સ્વીકૃતિ થવી જ જોઈએ. સમાજ જ્યારે વ્યક્ત થતો હોય ત્યારે લેખક એને ઝીલે છે. પછી એ લખે ત્યારે એ એમાં પોતાની સર્જનાત્મકતા ઉમેરે છે.
ગંગા,જમના, સરસ્વતીનો સંગમ
ગુજરાતી ભાષાભવન સાથે જોડાયેલા આર્થિક પત્રકાર તેમ જ કટારલેખક જયેશ ચિતલિયાએ આભારવિધિ સ્વરૂપે કાર્યક્રમના સમાપનમાં કહ્યું હતું કે આવી સર્જનાત્મક અને સકારાત્મક સવાર રોજ નથી આવતી, જે આપણા દિલમાં વસી જતી હોય છે. હાજર સર્જકો અને સાહિત્યપ્રેમીઓનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે ગંગા-જમના-સરસ્વતી સ્વરૂપે આજે આપણે આંગણે ભેગા થયેલા સર્જકોએ આપણને આનંદમાં ભીંજવી નાખ્યા છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ, તેના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ, સભ્ય કાર્યકર્તા ચંદ્રકાંત ભાવસાર, કેઈએસની મેનેજિંગ કમિટી, ત્રણે સર્જકોનો પરિચય આપનાર પ્રીતિબેન, દિનેશભાઈ, સેજલબેન, આયોજનમાં સહભાગી થનાર કીર્તિભાઈ શાહ, નિખિલ દિનકર જોશી, કાર્યકર્તા જયના શર્મા અને જશ રાવલનો પણ આભાર માન્યો હતો.
(સોનલ કાંટાવાળા – મુંબઈ)
