ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો, અનેક પરમાણુ વૈજ્ઞાનિકો અને કમાન્ડરોના મોત

ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાન પર બોમ્બથી હુમલો કર્યો છે. આ ઉપરાંત, ઈઝરાયલે ઈરાની સૈન્ય મથકો અને પરમાણુ મથકો પર હુમલો કર્યો છે. ઈઝરાયલે શુક્રવારે સવારે કહ્યું કે તેણે ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ઈઝરાયલે કહ્યું કે તે તેહરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલાની અપેક્ષાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યું છે. એક ઈઝરાયલી લશ્કરી અધિકારીએ કહ્યું કે ઈઝરાયલ ડઝનબંધ પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે.

ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા

વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નાતાન્ઝમાં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો, અમે ઈરાની બોમ્બ બનાવવા પર કામ કરતા મુખ્ય ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા, અને અમે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો. આ હુમલા બાદ નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા બદલ આભાર માનવા માંગુ છું.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. ઈરાની મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ આ દેશના મુખ્ય શક્તિ કેન્દ્રોમાંનું એક છે. તે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોના શસ્ત્રાગારને પણ નિયંત્રિત કરે છે.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, સલામી ઉપરાંત, ઈઝરાયલ માને છે કે ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ બાઘેરી, સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ ઈરાન પરના પ્રારંભિક IDF હુમલામાં માર્યા ગયા હતા.

જો આપણે હવે કાર્યવાહી નહીં કરીએ, તો આગામી પેઢી નહીં બચે

નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે, તેમણે કહ્યું કે જો આપણે હવે કાર્યવાહી નહીં કરીએ, તો આગામી પેઢી નહીં આવે. આ હુમલા પછી, ઈરાકે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે ઈરાકના તમામ એરપોર્ટ બંધ છે. ક્યાંયથી વિમાનોની અવરજવર નથી.

પીએમ નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન પાસે હવે એટલું બધું યુરેનિયમ છે કે તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તેની પાસે 9 પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા છે. ઈરાન હવે આ યુરેનિયમથી બોમ્બ બનાવવા જઈ રહ્યું હતું. જો ઈરાનને રોકવામાં ન આવે, તો તે ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. એક મહિનાની અંદર, કે એક વર્ષમાં. પરંતુ ઈઝરાયલ ક્યારેય આવું થવા દેશે નહીં. ઈઝરાયલ ક્યારેય એવા લોકોને આવી ક્ષમતા વિકસાવવા દેશે નહીં જે આપણા અસ્તિત્વનો અંત લાવવા માંગે છે.