ઈઝરાયેલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેમાં 700 ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે મોબાઇલ-ઇન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત થઇ છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓના હુમલાથી ઈઝરાયેલમાં રહેતા 700 ગુજરાતીઓ ફસાયા છે. એરપોર્ટનું ઓપરેશન બંધ હોવાથી તેઓ ભારત પરત આવી શકતા નથી.
ઈઝારાયેલમાં ફસાયેલા ગુજરાત અને રાજસ્થાનના યુવકોને મિસાઇલોના અવાજથી નહીં પણ શહેરમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હુમલા અને મિસાઇલ એટેકથી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોર્ડર વિસ્તારથી આતંકવાદીઓ શહેરમાં ઘુસી જતાં અફરા-તરફીનો માહોલ છે. ઈઝરાયેલમાં ચોક્કસ કેટલાક ભારતીયો છે ? તેનો સત્તાવાર આંકડો નથી. આ સમગ્ર મામલે વડોદરામાં રહેતા ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ નિકેતન કોન્ટ્રક્ટર પાસે જાણવા મળ્યું છે કે, ઈઝરાયેલમાં 700 લોકો ગુજરાતીઓ છે. વડોદરા તથા શહેરની આસપાસ સહિત મધ્ય ગુજરાતના અંદાજે 100 લોકો ત્યાં હોઇ શકે છે.
ઈઝરાયેલમાં અચાનક હુમલાથી પરિસ્થિતિ ગંભીર છે. ઈઝરાયેલ દ્વારા પણ આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, પૂર્વ ઈઝરાયેલના પેટાહ-ટિકવા શહેરમાં રહેતા ગુજરાત અને રાજસ્થાનના સાતથી આઠ યુવકો છેલ્લાં ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. વર્તમાન પરિસ્થિતિ અંગે યુવકોએ જણાવ્યું હતું કે, કામ વગર ઘરની બહાર ન નિકળવાની એડવાઇઝરી જાહેર કરાઈ છે. અમને મિસાઇલોના અવાજથી નહીં પરંતુ ઈઝરાયેલમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. અમે ત્રણ દિવસથી ઘરમાં જ છીએ. ખાવા-પીવાની ચિજવસ્તુ લેવા લોકો ઘરની બહાર નિકળે છે. વણસેલી પરિસ્થિતિમાં પણ ઈઝરાયેલમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા ચાલુ છે.