ઇઝરાયેલ જે મધ્ય પૂર્વમાં બહુવિધ મોરચે યુદ્ધ લડી રહ્યું છે, તે હવે ગાઝા અને દક્ષિણ લેબનોન પછી કોઈપણ સમયે ઈરાન પર મોટો હુમલો કરીને તબાહી મચાવી શકે છે. આ સનસનીખેજ ખુલાસો અમેરિકન ગુપ્તચર એજન્સીના ગોપનીય દસ્તાવેજો લીક થયા બાદ થયો છે. આ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ હવે ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા કરવામાં આવેલા હુમલામાં આતંકવાદી સંગઠન હમાસના નેતા યાહ્યા સિનવરની હત્યા છતાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ દાવો કર્યો હતો કે હમાસનો નાશ થયો નથી. આ પછી, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ઇરાનના ડ્રોન હુમલા પછી, કોઈને શંકા નથી કે હમાસ પછી ઇઝરાયેલનું આગામી લક્ષ્ય ઇરાન છે.
અહેવાલ મુજબ, ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી માટે ઈઝરાયેલના હુમલાની યોજના અંગેની અત્યંત ગુપ્ત માહિતી લીક થવાના સનસનાટીભર્યા સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, અમેરિકન ગુપ્તચર એજન્સીના બે અત્યંત ગોપનીય દસ્તાવેજો લીક થયા છે. આમાં ઈરાન પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની સૈન્ય તૈયારીઓનો સંપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે.
આ ગુપ્ત માહિતી લીક થવાથી અમેરિકા અત્યંત ચિંતિત હોવાનું કહેવાય છે. પેન્ટાગોનમાંથી ફાઈવ આઈઝ સંબંધિત માહિતી લીક થવાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, 15 અને 16 ઓક્ટોબરની તારીખના આ ગુપ્તચર દસ્તાવેજો ઈરાન સાથે જોડાયેલા ટેલિગ્રામ એકાઉન્ટ ‘મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર’ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ટોપ સિક્રેટ તરીકે વર્ગીકૃત થયેલ આ દસ્તાવેજો પર આવા ચિહ્નો છે. આ દસ્તાવેજો જણાવે છે કે તેમની માલિકી માત્ર યુએસ અને તેના ‘ફાઇવ આઇઝ’ (અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન) સાથીઓની હોવી જોઈએ.