ઈશાંત શર્માની અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમતોત્સવમાં હાજરી

અમદાવાદ: અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે 31 જાન્યુઆરીના રોજ તેનો વાર્ષિક રમતોત્સવ ઊજવ્યો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ વાર્ષિક રમતોત્સવમાં 550 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.ઈશાંત શર્માએ પોતાના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 105 ટેસ્ટ, 80 વન-ડે તથા 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. જેમાં તેમણે કુલ 434 વિકેટ પોતાના નામે કરી હતી. ઈશાંત શર્માએ સ્કૂલના વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠ સ્તરે પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન પોતાના જીવનના અનુભવો થકી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો માટે દિવસ યાદગાર બનાવ્યો હતો.36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે,”દેશના ભાવિ એવા બાળકો સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ સમય પસાર કરવાનો આનંદ છે. આ દિવસ બાળકો માટે પણ યાદગાર રહ્યો હશે તેવું હું માનું છું. જ્યારે તેમણે મેદાન પર અદ્ભુત ખેલદિલીનું પ્રદર્શન કર્યું. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલનો આભાર માનું છું, જેમણે મને આ વિશેષ દિવસનો ભાગ બનાવ્યો. તેના કારણે મને મારા શાળાકીય દિવસોની યાદો વાગોળવાની તક પણ મળી અને બાળકો સાથેનો સમય યાદગાર રહ્યો.”અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના હેડ ઓફ સ્કૂલ સર્જીયો પી. એ આ પ્રસંગે કહ્યું કે,”અમને આનંદ છે કે- ઈશાંત શર્મા જેવો ઉચ્ચ સ્તરીય ખેલાડી અમારી આ ઈવેન્ટનો ભાગ બન્યો. જેમણે ભારતીય ક્રિકેટ ટીમની ઘણી યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની હાજરી અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ સંબંધિત વિઝનને વધુ મજબૂત બનાવે છે. તેમની સાથેની ચર્ચાને કારણે બાળકો અને તેમના વાલીઓ પણ પ્રેરિત થયા હશે, જેની લાંબાગાળાની અસર જોવા મળશે, અમે ઈશાંતનો આભાર માનીએ છીએ. આશા છે કે, તેમનો અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતેનો દિવસ યાદગાર રહેશે.”