નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ રાતોરાત વધુ ગંભીર બન્યો છે, કારણ કે બંને દેશોએ હુમલાઓ ચાલુ જ રાખ્યા છે. બંને દેશોમાં નાગરિકોનાં મોતથી વિશ્વમાં ચિંતા પ્રસરી છે કે દુશ્મન દેશો વચ્ચે ચાલી રહેલી આ લડાઈ હવે વધુ ઉગ્ર બની શકે છે.
ઇરાને હાલ સીઝફાયર કરવાનો ઇનકાર કર્યો છે, જેને પગલે ઇઝરાઇલ તરફથી હુમલાઓ વધુ તેજ કરવામાં આવ્યા છે. તેલ અવિવમાં સતત સાઇરન વાગી રહી છે.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષને આજે ચાર દિવસ થયા છે. એક ઇરાની બેલિસ્ટિક મિસાઇલે ઈઝરાયેલના હાઈફા રિફાઇનરીને નિશાન બનાવ્યાનું જાણમાં આવ્યું છે. ઈરાનની ફોરડો ન્યુક્લિયર સાઇટની આસપાસ ઘણા જોરદાર વિસ્ફોટ થયા, જેના કારણે ધરા ધ્રૂજી ઊઠી છે.
ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર 13 જૂનથી અત્યાર સુધી ઇઝરાયલી હુમલાઓને કારણે અત્યાર સુધી 224 લોકોનાં મોત થયાં છે અને 1277 થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સના એક જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં અત્યાર સુધી 406 લોકો માર્યા ગયા છે. ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજશ્કિયનએ ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલ હુમલા ચાલુ રાખશે તો તહરાન તરફથી પણ વધુ કડક પ્રતિસાદ આપવામાં આવશે.
ઇઝરાયેલમાં મોત
ઇઝરાયેલમાં રવિવાર સુધીમાં થયેલા ઇરાની હુમલાઓમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી કુલ 13 લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઇફાના પૂર્વમાં આવેલા અરબ શહેર તમરામાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ચાર લોકોનાં મોત થયાં છે.
આ હુમલાઓ પછી ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઇઝરાયલી વડા પ્રધાન બેનજામિન નેતન્યાહૂએ વિડિયો સંદેશમાં ચેતવણી આપી હતી કે ઈઝરાયેલ આયાતુલ્લાના શાસનને દુનિયાના દરેક ખૂણામાં અને દરેક લક્ષ્યાંક પર હુમલો કરશે.
