શાંતિમંત્રણા માટે પુતિનને યેરુસલેમમાં મળવા ઝેલેન્સ્કી તૈયાર

કિવઃ યૂક્રેન પર રશિયાના આક્રમણ બાદ બંને પડોશી દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આજે 18મો દિવસ છે. આખી દુનિયા આને કારણે તંગ છે. યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે બંને દેશ વચ્ચેના ઘર્ષણને ઉકેલવાના પ્રયાસ રૂપે તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાટાઘાટ કરવા તૈયાર છે.

એએનઆઈ સમાચાર સંસ્થાએ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ અખબારને એવું કહેતા ટાંક્યું છે કે ઝેલેન્સ્કી પુતિનને તટસ્થ ભૂમિ તરીકે ઈઝરાયલના યેરુસલેમ શહેરમાં મળવા તૈયાર છે. ઝેલેન્સ્કીએ વધુમાં ઈઝરાયલી વડા પ્રધાન નફતાલી બેનેટને વિનંતી કરી છે કે આ શાંતિમંત્રણા યોજાય એ માટે તેઓ મધ્યસ્થ બને. બેનેટ આ પહેલાં પણ બંને દેશ વચ્ચે મધ્યસ્થ બન્યા હતા અને ગયા શનિવારે એમણે યૂક્રેન વતી પુતિન સાથે ત્રણ-કલાક સુધી ફોન પર વાતચીત કરી હતી. રોઈટર સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર, ઝેલેન્સ્કીએ એમ કહ્યું છે કે પુતિન સાથે રશિયા, યૂક્રેન કે બેલારુસમાં નક્કર મંત્રણા યોજવી શક્ય નથી એવું તેમણે ઈઝરાયલી વડા પ્રધાન બેનેટને કહ્યું છે. ‘યુદ્ધને રોકવા માટે અમે બીજા કોઈ દેશમાં મળવા સહમત થઈ શકીએ એમ છીએ. શું યોગ્ય સ્થળ તરીકે ઈઝરાયલ અને ખાસ કરીને યેરુસલેમ વિશે હું વિચારી શકું? મને લાગે છે કે આનો જવાબ હા છે.’