મિસાઈલવાળી ઘટનામાં સંયુક્ત તપાસ યોજાવી જોઈએઃ પાકિસ્તાન

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારતમાંથી એક મિસાઈલ અકસ્માતપણે છૂટીને પાકિસ્તાનની ધરતી પર પડી એ ઘટનામાં સંયુક્ત રીતે તપાસ કરવાની પાકિસ્તાને માગણી કરી છે. ભારત સરકારે કહ્યું છે કે આ ઘટનામાં તે આંતરિક રીતે તપાસ હાથ ધરશે. પરંતુ, પાકિસ્તાને આ ઘટના અંગે દુનિયાના દેશોને પણ એમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે એ મિસાઈલ પાકિસ્તાન સામે કોઈ શત્રુતાભરી ગતિવિધિનો ભાગ નહોતી અને તે અકસ્માતપણે છૂટી હતી. રોજિંદા જાળવણીકાર્ય દરમિયાન થયેલી તે એક ટેક્નિકલ ભૂલ હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મિસાઈલ ફાયર થવાની ઘટનાને આવરી લેતી હકીકતોને યોગ્ય રીતે સ્થાપિત કરવા માટે સંયુક્ત તપાસ યોજાવી જોઈએ. આ ઘટનામાં આંતરિક અદાલતી તપાસ યોજવાનો ભારતનો નિર્ણય પર્યાપ્ત નથી, કારણ કે મિસાઈલ પાકિસ્તાનની ધરતી પર પડી હતી. આ ગંભીર બાબત છે અને એમાં માત્ર ભારતીય સત્તાવાળાઓના જ સ્પષ્ટીકરણથી ચલાવી લેવું ન જોઈએ. બંનેમાંથી કોઈ પણ દેશમાંથી આ પ્રકારની ભૂલ ગંભીર પરિણામો લાવી શકે છે તેથી દુનિયાના દેશોએ પણ આ ઘટના અંગે એમનાં વલણ સ્પષ્ટ કરવા જોઈએ.