નવી દિલ્હીઃ ક્યારેક-ક્યારેક આપણને સાંભળવા મળે છે કે કોઈ શખસને ખોટા આરોપમાં જેલ થઈ હોય. ક્યારેક આપણને એવું પણ સાંભળવા મળે છે કે નિર્દોષ વ્યક્તિની જિંદગીનો મોટો હિસ્સો જેલમાં વીત્યો હોય અને પાછલી વયે એ નિર્દોષ સાબિત થાય, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં એક કેસ આવો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ગુના (જે એણે નહોતો કર્યો) માટે જવાનીનાં 37 વર્ષ જેલમાં વિતાવવાં પડ્યાં હતાં.
ફ્લોરિડાનો રોબર્ટ ડુબોઇસ જ્યારે જેલમાં ગયો હતો, ત્યારે તેને 18 વર્ષનો હતો અને 37 વર્ષ પછી તે વર્ષ 2020માં જેલમાંથી બહાર આવ્યો, ત્યારે તેની જિંદગીનો એક મોટો હિસ્સો જેલમાં વિના કારણ વેડફાઈ ગયો. હવે તેને વળતર તરીકે 1.4 કરોડ ડોલર (116 કરોડ રૂપિયા) મળ્યા છે. રોબર્ટ હાલ 59 વર્ષનો છે.
રોબર્ટને સેક્સ્યુઅલ અસોલ્ટ અને મર્ડના ખોટા આરોપમાં 37 વર્ષ જેલમાં વિતાવવાં પડ્યાં હતાં. તે રેસ્ટોરાંમાં કામ કરતો હતો અને જ્યારે તે શિફ્ટ પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે 19 વર્ષની બાર્બરા ગ્રામ્સની હત્યાના મામલે તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ તેની સજા ઓછી કરીને ઉંમરકેદમાં તબદિલ કરવામાં આવી હતી. એ કેસમાં DNA ટેસ્ટમાં માલૂમ પડ્યું હતું કે આ મામલામાં અન્ય બીજા બે શખસ દોષી હતા. જેથી વર્ષ 2020માં રોબર્ટને છોડી મૂકવામાં આવ્યો હતો.
રોબર્ટે જેલથી બહાર આવીને પોલીસ અધિકારીઓ અને એક ફોરેન્સિક ડેન્ટિસ્ટ પર કેસ કરી દીધો હતો. જોકે આ કેસમાં તેની નિર્દોષતા પુરવાર થતાં કોર્ટે તેને 1.4 કરોડ ડોલરના વળતર માટે મંજૂરી આપી હતી.