દુનિયાભરમાં કોરોનાથી મોતનો આંકડો 1 લાખ પર પહોંચ્યો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દુનિયાના દેશોમાં દર્દીઓના મરણનો ક્રમ અટકવાનું નામ લેતો નથી. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 1,02,607 જણ મૃત્યુને શરણ થઈ ચૂક્યા છે.

દુનિયાભરમાં આ રોગના કેસોની સંખ્યા 17 લાખની નજીક પહોંચી ગઈ છે. આ રોગને કારણે સૌથી વધારે માઠી અસર યુરોપના દેશો – ઈટાલી અને સ્પેનને થઈ છે.

તો ફ્રાન્સ પણ પાછળ રહ્યું નથી. ત્યાં ગયા 24 કલાકમાં 1000 જણના મોત નિપજ્યા હતા. આમાંના 554 જણના મરણ હોસ્પિટલોમાં થયા જ્યારે 433 જણના મોત કેર હોમ્સ કે રિટાયરમેન્ટ હોમ્સ (વૃદ્ધાશ્રમ)માં થયા. ફ્રાન્સમાં મરણાંક 13 હજારને પાર ગયો છે.

ઈટાલીમાં અત્યાર સુધીમાં 18,850 જણના મરણ થઈ ચૂક્યા છે જ્યારે 47 હજારથી વધારે લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે.

ઈટાલીમાં વડા પ્રધાન કોન્ટેએ લોકડાઉનની મુદતને ત્રણ સપ્તાહ સુધી લંબાવી છે. આ પહેલાં લોકડાઉન 3 એપ્રિલ સુધીનું હતું, પણ બાદમાં 13 એપ્રિલ સુધી લંબાવાયું હતું, અને હવે 3 મે સુધી લંબાવી દેવાયું છે.

સ્પેનમાં કોરોના વાઈરસને કારણે મરણાંક 16 હજારને પાર ગયો છે. ત્યાં અત્યાર સુધીમાં 1,58,273 જણ વાઈરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

બ્રિટનમાં શુક્રવારે એક જ દિવસમાં 980 જણના મોત થયા હતા. એ સાથે આ દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 8,958 પર પહોંચ્યો છે. યુરોપના આ દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 76,605 થઈ છે.

યુરોપના અન્ય દેશ, તૂર્કીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દેશના પાટનગર ઈસ્તંબુલ અને અંકારા શહેરો સહિત 31 પ્રાંતોના મુખ્ય શહેરોમાં બે દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન શનિવાર અને રવિવાર (મધરાત) સુધી રહેશે. આ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,006ના મરણ થયા છે.

ભારતમાં 7,600 કેસ; મહારાષ્ટ્ર 1,588 સાથે મોખરે

દરમિયાન, ભારતમાં ગઈ કાલે શુક્રવારે વધુ 800 જણને કોરોના લાગુ થયો હતો. આ સાથે દેશમાં આ બીમારીના કેસોની સંખ્યા 7,600 સુધી પહોંચી ગઈ છે. આમાં મહારાષ્ટ્ર રાજ્ય 1,588 કેસ સાથે મોખરે છે. દિલ્હીમાં 898 અને ઉત્તર પ્રદેશમાં 431 કેસો નોંધાયા છે.

વર્લ્ડમીટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 249 જણે જાન ગુમાવ્યા છે.