વોશિંગ્ટનઃ વિશ્વ બેન્કના પ્રમુખપદ માટે ભારતમાં ઉછરેલા અને અમેરિકાના ઉમેદવાર અજય બાંગા પડકારોનો સામનો કરવામાં અનોખો દ્રષ્ટિકોણ ધરાવે છે જે દુનિયાભરમાં ગરીબી ઘટાડવા અને સમૃદ્ધિ લાવવા માટે વિશ્વ બેન્કના એજન્ડાને આગળ ધપાવી શકે છે, એમ વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પત્રકારો સાથેની સાપ્તાહિક બેઠકમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પીએરએ કહ્યું કે, અમેરિકાએ નિયુક્ત કરેલા અજય બાંગા વર્લ્ડ બેન્કના નવા પ્રમુખ બનશે. યૂએસ પ્રમુખ બાઈડને જ કહ્યું છે કે બાંગા વિશ્વ બેન્કની દોરવણી કરવા માટે અનોખી રીતે સજ્જ છે. તેઓ એક નામાંકિત બિઝનેસ એક્ઝિક્યૂટિવ છે, જેમણે વિકાસશીલ દેશોમાં નોકરીઓ અને ઈન્વેસ્ટમેન્ટ લાવી આપનાર ઘણી કંપનીઓનું સંચાલન કર્યું છે.
