વોશિંગ્ટન- સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 139 નામ પાકિસ્તાની આતંકીઓના છે. ગતરોજ જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને ભારતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.પાકિસ્તાનના અખબારના જણાવ્યા મુજબ UNSCની યાદીમાં એ દરેક આતંકવાદીઓ અથવા આતંકી સંગઠનોના નામ છે, જે પકિસ્તાનમાં રહે છે અથવા ત્યાંથી આતંકી પ્રવૃત્તિઓનું સંચાલન કરવા પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરે છે.
UNSC દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં પહેલું નામ અયમાન અલ-જવાહિરીનું છે. જેને ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. સંયુક્તરાષ્ટ્રનો દાવો છે કે, જવાહિરી આજે પણ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર છુપાયેલો છે. આ યાદીમાં જવાહિરીના કેટલાક સહયોગિઓના પણ નામ છે, જે તેની સાથે છુપાયેલા છે.
આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકરના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદના જણાવ્યા મુજબ દાઉદ ઈબ્રાહિમ પાસે વિવિધ નામોથી અનેક પાકિસ્તાની પાસપાર્ટ છે. જે રાવલપિંડી અને કરાચીથી જારી કરવામાં આવ્યા છે. UNનો દાવો છે કે, દાઉદ ઈબ્રાહિમનો કરાચીના નૂરાબાદ વિસ્તારના પહાડી ક્ષેત્રોમાં રજવાડી ઠાઠ ધરાવતો વૈભવી બંગલો છે.