અમેરિકામાં યૂટ્યૂબના હેડક્વાર્ટર ખાતે મહિલાએ ગોળીબાર કર્યો, પછી આત્મહત્યા કરી

સેન બ્રુનો (અમેરિકા) – અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન બ્રુનોમાં વીડિયો-શેરિંગ વેબસાઈટ યૂટ્યૂબના મુખ્યાલયમાં એક મહિલાએ ગોળીબાર કર્યો હતો અને ત્રણ જણને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ એ મહિલાએ સ્વયંને ગોળી મારી આત્મહત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, શકમંદ મહિલા હુમલાખોરે કરેલા ગોળીબારમાં ઘાયલ થયેલા 36 વર્ષના એક પુરુષની હાલત ગંભીર છે.

સિલીકોન વેલી નજીક આવેલા સેન બ્રુનોના યૂટ્યૂબ હેડક્વાર્ટરમાં અનેક ભારતીય-અમેરિકન વ્યાવસાયિકો કામ કરે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે અને કહ્યું કે ગોળીબારની ઘટના વિશે એમને જાણકારી આપવામાં આવી છે. ઘટના સાથે સંકળાયેલા દરેક જણ માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. ઘટનાસ્થળે ત્વરિત પહોંચી જવા બદલ પોલીસ અધિકારીઓનો આભાર.

યૂટ્યૂબ કેમ્પસ ખાતે ગોળીબારની ઘટના અંગે સેન બ્રુનો પોલીસ વિભાગને સ્થાનિક સમય મુજબ બપોરે 12.46 વાગ્યે પહેલો ફોન આવ્યો હતો. પોલીસો બે જ મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા અને તરત જ સંભવિત શકમંદની ખોજ શરૂ કરી દીધી હતી.

12.53 વાગ્યે પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ હુમલાખોર મહિલાને મૃત પડેલી શોધી કાઢી હતી. એનાં શરીર પર ગોળીનાં નિશાન હતા.

સેન બ્રુનોના પોલીસ વડા એડ બાર્બેરિનીએ યૂટ્યૂબ હેડક્વાર્ટર્સની અંદર પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમને મકાનની અંદર એક મૃતદેહ મળ્યો છે જે શૂટર હતી એવું અમારું માનવું છે.