રાષ્ટ્રહિત જોખમાય તેવા કોઈ કરાર ભારત સાથે નહીં: નેપાળ પીએમ

કાઠમાંડુ- નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જણાવ્યું છે કે, તેઓ ભારત સાથે એવા કોઈ કરાર પર હસ્તાક્ષર નહીં કરે જેથી નેપાળની પ્રતિષ્ઠા અને ગૌરવ સાથે સમાધાન કરવું પડે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે નેપાળના વડાપ્રધાન ભારત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના ભારત પ્રવાસ અંગે નેપાળની સંસદમાં માહિતી આપતા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સાંસદોને ઉપરોક્ત આશ્વાસન આપ્યું હતું.કેપી શર્મા ઓલી 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેમની સાથે 53 સદસ્યોનું પ્રતિનિધિમંડળ પણ ભારત પ્રવાસે આવશે. કેપી ઓલી શર્મા સાથે તેમની પત્ની, નેપાળના વિદેશપ્રધાન, ઉદ્યોગપ્રધાન સાથે યોજના અને સંચારપ્રધાન પણ ભારત આવશે.

નેપાળના વડાપ્રધાને કહ્યું કે, ભારત પ્રવાસનો તેમનો મુખ્યદ્દેશ્ય કોઈ નવા કરાર કરવાને બદલે બન્ને દેશો વચ્ચે થયેલા જૂના કરારને સક્રિય કરવાનો રહેશે. ઓલીએ કહ્યું કે, ‘દેશ હિતના વિરુદ્ધમાં હું કોઈ પણ નિર્ણય લઈશ નહીં’. કેપી ઓલીની ભારત યાત્રાને નેપાળની કેબિનેટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. તેઓ ભારત વડાપ્રધાનના નિમંત્રણ પર ભારત પ્રવાસે આવી રહ્યાં છે.

મહત્વનું છે કે, ગત ફેબ્રુઆરી મહિનાથી નેપાળનું પીએમ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે. ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન કેપી ઓલી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતમાં તેમના સમકક્ષ પીએમ મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]