વોશિંગ્ટનઃ અમેરિકા દેશ હાલ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. અમેરિકાએ ગઈ કાલનો દિવસ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ તરીકે ઊજવ્યો હતો. આ પ્રાર્થના દિવસે વૈદિક શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. દેશના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં શાંતિ પાઠના ઉચ્ચારણ માટે હિન્દુ પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું. આ પ્રાર્થના સભામાં બધા ધર્મોના ગુરુઓને બોલાવવામાં આવ્યા હતા. કોરોના સંકટમાંથી ઝડપથી મુક્ત થવાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આપણી રક્ષા કરે.
ટ્રમ્પ હવે રોજ કોરોના ટેસ્ટ કરાવશે
કોરોના મહાબીમારી સામે સુપરપાવર અમેરિકા પણ લાચાર થઈ ગયું છે. આ દેશમાં અત્યાર સુધીમાં 76,000થી વધુ લોકોનાં મોત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહકર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એને કારણે વ્હાઈટ હાઉસમાં હાહાકાર મચી ગયો છે. જેમને કોરોના સંક્રમિત થયો છે, એ અમેરિકી નૌસેનાનો સભ્ય છે. નૌસૈનિક કોરોના પોઝિટિવ થતાં હવે સમગ્ર વ્હાઈટ હાઉસમાં સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે. આ જોખમને જોતાં ટ્રમ્પે પણ પોતાની ફરી કોરોનાની તપાસ કરાવી હતી. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને વ્હાઈટ હાઉસના અન્ય કર્મચારીઓ કોરોના વાઇરસની દરરોજ તપાસ કરાવશે.
https://www.facebook.com/102111788168148/posts/105244551188205/
કોરોનાને કારણે અમેરિકી અર્થતંત્ર સંકટમાં
કોરોનાને કારણે અમેરિકી અર્થતંત્ર સંકટમાં મૂકાઈ ગયું છે. વેપાર-ધંધા પર તો અસર પડી જ છે, પણ ખેડૂતો પણ બેહાલ થયા છે.