700 ભારતીયોને ઉગારી નેવી જહાજ માલદીવથી ભારત આવવા રવાના થયું

માલે (માલદીવ): માલદીવના પાટનગર માલેમાં કોરોના વાઈરસ બીમારીને કારણે ફસાઈ ગયેલા 698 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ભારતીય નૌકાદળનું જહાજ ‘INS જલશ્વ’ 8 મે, શુક્રવારે રાતે 10.15 વાગ્યે માલેમાંથી રવાના થયું હતું.

આ જહાજ 10 મેની સવારે ભારત પહોંચે એવી ધારણા છે.

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટેની કામગીરીને ભારતીય નૌકાદળે ‘ઓપરેશન સમુદ્રસેતુ’ નામ આપ્યું છે.

ભારતીયોને જહાજમાં ચડાવતા પહેલાં માલેની જેટ્ટી ખાતે એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એમના સામાનને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પણ કડક રીતે પાલન કરવામાં આવ્યું હતું.

ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોને જહાજમાં પહેલા બેસાડવામાં આવ્યાં હતાં.