વોશિંગ્ટનઃ વડા પ્રધાન મોદી હાલ અમેરિકાના અતિથિ બન્યા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનની સાથે ગઈ કાલે ડિનર કર્યું હતું. બાઇડન વહીવટી તંત્ર અમેરિકામાં રહેતા ભારતીયો માટે રહેવા અને કામ કરવું સરળ થાય એ માટે મહત્ત્વની યોજના પર કામ કરી રહ્યું છે. આ મામલાથી પરિચિત ત્રણ લોકોએ જણાવ્યું હતું કે અમેરિકા સરકાર વડા પ્રધાનની રાજકીય મુલાકાતનો ઉપયોગ ભારતીયોને માટે વિઝા નિયમોમાં ઢીલ આપવા કરી શકે છે.વિદેશ વિભાગ ગુરુવારે ઘોષણા કરી શકે છે કે કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કર્મચારી વિદેશ યાત્રા કર્યા વગર અમેરિકામાં H1B વિઝા રિન્યુ કરાવી શકે છે.
આ એક પાઇલટ પ્રોજેક્ટ હશે, જેનું આવનારાં વર્ષોમાં વિસ્તરણ કરવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2022માં આશરે 4,42,000 લોકોએ H1B વિઝાનો ઉપયોગ કર્યો હતો, જેમાં 73 ટકા ભારતીય નાગરિક હતા. એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે અમારા લોકોની ગતિશીલતા અમારા માટે એક મોટી સંપત્તિ છે અને અમારું લક્ષ્ય તેમને સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે. વિદેશ વિભાગ H1B વિઝાને લગતા નિયમોમાં ફેરફાર કરવા માટે આકરી મહેનત કરી રહ્યો છે.
અમેરિકા કુશલ વિદેશી શ્રમિકોની શોધ કરતી કંપનીઓને 65,000 H1B વિઝા આપે છે. એ સાથે માસ્ટર ડિગ્રીવાળા શ્રમિકો માટે વધારાના 20,000 વિઝા જારી કરે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે કાયદેસરના હોય છે અને આગામી ત્રણ વર્ષ માટે રિન્યુ કરાવી શકાય છે. અમેરિકામાં H1B કર્મચારીઓનો ઉપયોગ કરવાવાળી કંપનીઓમાં ઇન્ફોસિસ, TCS, આલ્ફાબેટ અને મેટા અન્ય અન્ય કંપનીઓ સામેલ છે.