વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનના વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે કે ભારત સરકાર માનવ અધિકારીઓનો આદર વધારે એ માટે અમેરિકા એને પ્રોત્સાહિત કરે છે. અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તા નેડ પ્રાઈસે પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતની શાસક ભારતીય જનતા પાર્ટીનાં બે હોદ્દેદારોએ કરેલી અપમાનજનક કમેન્ટ્સને અમે વખોડી કાઢી છે અને સાથોસાથ, અમને એ વાતની ખુશી પણ થઈ છે કે ભાજપે તેના એ બંને હોદ્દેદારોનાં નિવેદનોને જાહેરમાં વખોડી કાઢ્યા છે. (નેડ પ્રાઈસનો ઉલ્લેખ દેખીતી રીતે નુપૂર શર્મા અને નવીનકુમાર જિંદલ વિશે છે, જેમણે તાજેતરમાં મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક કમેન્ટ કરી હતી. ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે જ્યારે મીડિયા વિભાગના વડા જિંદલને કાયમને માટે પક્ષમાંથી કાઢી મૂક્યા છે)
પ્રાઈસે કહ્યું કે, ધર્મ અને આસ્થાના સ્વાતંત્ર્ય સહિત માનવ અધિકારોનો વરિષ્ઠ સ્તરે આદર કરાય એ માટે અમે ભારત સરકાર સાથે નિયમિત રીતે સંપર્કમાં રહીએ છીએ. માનવ અધિકારોનું સમ્માન જળવાય એ માટે અમે ભારતને પ્રોત્સાહિત કરતા જ રહીએ છીએ.