બિલાવલ ભૂટ્ટો-ઝરદારીને ભારત સાથે સંબંધ સુધારવા છે

ઈસ્લામાબાદઃ ભારત સાથે પાકિસ્તાનના બગડેલા સંબંધો ફરી સુધારવા માટે પાકિસ્તાનના નવા નિમાયેલા વિદેશ પ્રધાન બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ અનુરોધ કર્યો છે. એમણે કહ્યું છે કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.

33 વર્ષીય બિલાવલ પાકિસ્તાનના સૌથી નાની વયના વિદેશ પ્રધાન છે. તેઓ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. બેનઝીર ભૂટ્ટો-ઝરદારી તથા ભૂતપૂર્વ પ્રમુખ આસીફ અલી ઝરદારીના પુત્ર છે. ઝરદારી પિતા-પુત્ર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું સંચાલન કરે છે. ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે. ઉપરાંત, ભારત સરકારે 2019ની પાંચ ઓગસ્ટે જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમને રદ કર્યા બાદ બંને દેશના સંબંધ વધારે બગડ્યા છે. પાકિસ્તાનને ભારતનો આ નિર્ણય ગમ્યો નહોતો અને તેણે ભારતીય રાજદૂતને પાકિસ્તાનમાંથી કાઢી મૂક્યા છે.