વિજય માલ્યા બ્રિટનની હાઈકોર્ટમાં ભારત સામેની અપીલ હારી ગયો

લંડનઃ લિકર ઉદ્યોગનો મહારથી વિજય માલ્યા તેના ભારત પ્રત્યાર્પણના આદેશ સામેની અપીલ બ્રિટનની હાઈકોર્ટમાં હારી ગયો છે.

હાલ બંધ થઈ ગયેલી પોતાની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતની અનેક બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લઈને તે ચૂકવ્યા વગર ભારતમાંથી ભાગી જવાનો માલ્યા પર આરોપ છે. ભારત સરકારે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

ભારત સરકારે કરેલી વિનંતીને પગલે બ્રિટનની કોર્ટે માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરી દેવાનો 2018માં આદેશ આપ્યો હતો.

માલ્યાએ 2009માં ભારતની બેન્કો પાસેથી લોન લીધી હતી.

માલ્યા બ્રિટનની કોર્ટના ચુકાદા સામે અપીલમાં ગયો હતો.

પણ રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના ન્યાયાધીશો સ્ટીફન ઈરવીન અને એલિઝાબેથ લેઈન્ગની બે-સભ્યની બેન્ચે માલ્યાની અપીલની સુનાવણી કરતી વખતે માલ્યાની અપીલને ફગાવી દીધી છે.

ન્યાયાધીશોએ કહ્યું કે, અમને એવું લાગે છે કે SDJ (સિનિયર ડિસ્ટ્રીક્ટ જજ)એ એમના ચુકાદામાં જે પ્રાથમિક પુરાવાનું અનુમાન વ્યક્ત કર્યું છે એનો વ્યાપ ભારતીય પ્રતિવાદીઓ (સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તપાસનીશ એજન્સીઓ)એ કરેલા આરોપ કરતાં પણ વધારે છે. આ કેસ તો ભારત સરકારે કરેલા આરોપો કરતાં પણ બીજી ઘણી મહત્ત્વની બાબતોમાં પ્રત્યક્ષ છે.