કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની યાત્રા પર અમેરિકા પ્રતિબંધ મૂકશે?

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના બધા સભ્યો માટે અમેરિકા યાત્રા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહી છે. બંને દેશોના સંબંધ પહેલેથી જ ઘણા કથળી રહ્યા છે. આ નિર્ણયથી દુશ્મનીમાં ઓર વધારો થશે. એક સૂત્રના જણાવ્યાનુસાર ટોચના અધિકારીઓ રાષ્ટ્રપતિના સંભવિત આદેશ માટેના ડ્રાફ્ટ તૈયાર કરવામાં લાગ્યા છે. જોકે હજી આ પ્રારંભિક તબક્કામાં જ છે અને એને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે નથી મૂકવામાં આવ્યો.  

ચીન પણ બદલાની કાર્યવાહી કરે એવી સંભાવના

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની સંખ્યા આશરે નવ કરોડ છે. જો આ બધા સભ્યો પર વાસ્તવમાં અમેરિકાની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો એ અમેરિકાનું ચીન સામેનું અત્યાર સુધી સૌથી મોટું પગલું હશે. જોકે આ પગલાંથી ચીન ધુંઆપુંઆ થશે અને એ પલટવાર માટે મજબૂર થશે. ચીન બદલામાં અમેરિકી નાગરિકો ખાસ કરીને રાજકારણી અને બિઝનેસમેનો માટે ચીન યાત્રા પર પ્રતિબંધ મૂકી દેશે. એનાથી ચીનમાં અમેરિકી હિતોને ક્ષતિ પહોંચે એવી ધારણા છે.

અમેરિકી યુનિવર્સિટીમાં શિક્ષણ નહીં લઈ શકે બાળકો

હવે સ્થિતિ એ છે કે અમેરિકી એજન્સીઓના અધિકારીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોનાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ કરવાનો પણ વિચાર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમ્યાન ચીનના પ્રતિ સખત વલણ અપનાવવાની નીતિને પ્રદર્શિત કરવા માટે ટ્રમ્પ આણિ મંડળી આવી સંભાવનાઓ પર વિચાર કરી રહી છે.

ચીનની સામેના વિકલ્પ

અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયો પહેલાં કહી ચૂક્યા છે કે રાષ્ટ્રપતિના નિર્દેશમાં અમે અમારી રીતે કામ કરી રહ્યા છીએ. અમને માલૂમ છે કે ચીનની સામે કેવી રીતે કામ કરવું. વાઇટહાઉસનાં પ્રવક્તા કેલી મેક્નેનીનું કહેવું છે કે અમે ચીન સામે બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કોરોના વાઇરસને કારણે બંને દેશોના સંબંધો ખૂબ વણસ્યા

કોરોના વાઇરસને કારણે વિશ્વનાં બે અર્થતંત્રોવાળા દેશોના સંબંધો ખૂબ વણસ્યા છે. ત્યાર બાદ દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગનની દાદાગીરી, શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અને હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના દમનની આ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. બંને દેશોના વલણથી જોતાં લાગે છે કે આ આગ હજી વધુ ભડકશે.

ચીને આ પ્રતિબંધ લગાવવાના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો

ચીને આના પર પ્રતિક્રિયા આપવામાં જરા પણ મોડું નહોતું કર્યું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટીના બધા સભ્યો પર યાત્રા પ્રતિબંધ લગાવવાનો કોઈ પણ નિર્ણય હાસ્યાસ્પદ હશે. એનો અર્થ એ થયો કકે અમેરિકાચીનની પૂરી વસતિની સામે ઊભો છે. કોઈ પણ દેશ અથવા શખસ ચીનને પોતાના માર્ગેથી હટાવી નહીં શકે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]