ભારત અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સંગ્રહ કરશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે, જેની ઝલક બંને દેશો વચ્ચેની બેઠકમાં ઊર્જા ભાગીદારી અંગે સંમતિ થઈ એમાં દેખાઈ હતી. આ બેઠક દરમ્યાન અમેરિકામાં ભારત માટે વ્યૂહાત્મક ઓઇલ સંગ્રહની સ્થાપના કરવાના પ્રસ્તાવ પર વાત આગળ વધી હતી.

ભારત પોતાની જરૂરિયાતના 84 ટકા ક્રૂડ વિદેશી બજારોથી આયાત કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં બદલાવ થવાથી એને ભારે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ભારત એની ક્રૂડની જરૂરિયાતના માત્ર 15 દિવસનો વ્યૂહાત્મક સંગ્રહ ક્ષમતા બનાવી શક્યો છે. બીજી બાજુ અમેરિકાની પાસે વિશાળ સંગ્રહ ક્ષમતા છે.  જેથી ત્યાં ભારત પોતાના ઓઇલની સંગ્રહક્ષમતા બનાવીને અનિશ્ચિત પરિસ્થિતિમાં વધુ સારી રીતે સામનો કરી શકે છે. 

બંને દેશોની ભાગીદારી માટે બીજી બેઠક

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને અમેરિકાના ઊર્જાપ્રધાન ડૈન બ્રાઉલેટના નેતૃત્વમાં આ બંને દેશોની ભાગીદારી માટે બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદન મુજબ વ્યૂહાત્મક પેટ્રોલિયમ સંગ્રહની સ્થાપના કરવા માટે અમેરિકી ઊર્જા વિભાગ અને ભારતના પેટ્રોલિયમ ગેસ મંત્રાલયની વચ્ચે સમજૂતી કરવામાં આવશે.

પાછલા નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાથી 900 કરોડ ડોલર એટલે કે 63,000 રૂપિયાના મૂલ્યના ઓઇલ અને ગેસની ખરીદી કરી હતી. આ અમેરિકાથી થતી કુલ આયાતના આશરે 10 ટકા છે.

અમેરિકાની પાસે વિશ્વની સૌથી મોટી સંગ્રહ ક્ષમતા

અમેરિકા એ ટોચના 10 દેશોમાં સામેલ છે, જ્યાંથી ભારત સૌથી વધુ પેટ્રોલિયમ પદાર્થો (બળતણ) ખરીદે છે. આગામી બે-ત્રણ વર્ષોમાં એ ટોચનાં પાંચ સપ્લાય પૂરો કરવામાં સામેલ થનાર દેશ બની જશે. હજી અમેરિકાની પાસે વિશ્વની સૌથી મોટી સંગ્રહ ક્ષમતા છે, જે શીતયુદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી. એની ક્ષમતા આશરે 80 કરોડ બેરલની છે. અમેરિકા એની રાષ્ટ્રીય ખપત જેટલી એક મહિનાની ક્ષમતાનો આમાં સંગ્રહ કરે છે, પણ એનો સંપૂર્ણ ઉપયોગ ક્યારેય નથી કરી શક્યો. આવામાં ભારત એની ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.

ભારત અમેરિકી ક્રૂડ અને શેલ ગેસનો મોટો ખરીદદાર

હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું છે ત્યારે ભારત એને ખરીદીને અમેરિકી સંગ્રહક્ષમતામાં રાખી શકે છે, કેમ કે ભારત માત્ર બે વર્ષોમાં અમેરિકી ક્રૂડ અને શેલ ગેસનો મોટો ખરીદદાર બની ચૂક્યો છે. આવામાં એ ભારતને તમામ ઊર્જા ટેક્નિક હાંસલ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. રિન્યુએબલ એનર્જી ક્ષેમાં ટેક્નોલોજી અપગ્રેડ કરવા માટે બંને દેશોમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ભારતને આશા છે કે સરકાર ક્ષેત્રની ઓઇલ કંપનીઓના ડિસઇન્વેસ્ટમાં અમેરિકતી કંપનીઓ ભાગ લેશે.