વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગતરોજ એક ટ્વીટ કરીને પાડોશી દેશ કેનેડા માટે ટ્રેડ વૉરની ધમકી ઉચ્ચારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, મેક્સિકો સાથે અમેરિકાનો વેપાર કરાર સારી પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ અમેરિકા અને કેનેડા વચ્ચે કોઈ વેપાર કરાર કરવામાં આવ્યો નથી. જેથી કેનેડાથી આયાત કરવામાં આવતા વાહનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવશે.ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકા, મેક્સિકો અને કેનેડા વચ્ચે ‘નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ પર ફરીથી ચર્ચા કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મેક્સિકો સાથે કોઈ પણ પ્રકારના કરાર કરતા પહેલાં અમેરિકાના ઓટો ઉત્પાદકો અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવશે.
અમેરિકાના પ્રસિડેન્ટે મેક્સિકોના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના વખાણ કર્યા અને તેમને ઘણા સજ્જન વ્યક્તિ ગણાવ્યા હતા. તો બીજી તરફ કેનેડા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ કંઈ ખાસ મૈત્રીપૂર્ણ રહ્યો નહતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘કેનેડાએ રાહ જોવી જોઈએ’. તેમની ડ્યૂટી અને બિઝનેસ મર્યાદાઓ ખૂબ વધારે છે. જો અમેરિકાની કેનેડા સાથે કોઈ યોગ્ય સંમતિ નહીં સધાય તો કેનેડાથી આયાત કરવામાં આવતા વાહનો ઉપર અમેરિકા દ્વારા ડ્યૂટી લગાવવવામાં આવશે.