કિમ જોંગ સાથે રદ થયેલી મુલાકાત 12 જૂને ફરીવાર શક્ય છે: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતના સંકેત આપ્યા છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથેની તેમની રદ થયેલી બેઠક હજી પણ તેની પૂર્વ નિર્ધારિત તારીખ એટલેકે, 12 જૂને યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કિમ જોંગ સાથેની વાટાઘાટ રદ કરી હતી. હવે ટ્રમ્પે જણાવ્યું છે કે, વ્હાઈટ હાઉસના અધિકારીઓ ઉત્તર કોરિયા સાથે બેઠકને લઈને સંપર્ક કરી રહ્યા છે.બેઠક અંગે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું કે, ‘આ મામલે આગળ શું કરી શકાય તે અંગે અમે વિચારી રહ્યાં છીએ. અમે ઉત્તર કોરિયા સાથે વાત કરી રહ્યાં છીએ. વધુમાં ટ્રમ્પે જણાવ્યું કે, બેઠક યોજાય તેવી કિમ જોંગની પણ ઈચ્છા છે અને અમેરિકા પણ બેઠક યોજાય તેના પક્ષમાં છે. પરંતુ ભવિષ્યની પરિસ્થિતિ કેવી રહેશે તે જોવું પડશે’. ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ અંગે સકારાત્મક વાતચીત ચાલી રહી છે, અને જો શક્ય બનશે તો મુલાકાત 12 જૂને નહીં યોજાય તો આગળ પણ યોજાઈ શકે છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 12 જૂનની રદ કરાયેલી બેઠક અંગે પણ આશાવાદી જણાઈ રહ્યાં છે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘આ મુલાકાત 12 જૂને પણ યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ટ્રમ્પે કિમ જોંગ સાથે બેઠક રદ કરવાની જાહેરાત કરી હતી. બેઠક રદ કરવા અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયાનું આક્રમક વલણ બેઠક રદ કરવાનું મુખ્ય કારણ છે’.

બીજી તરફ ઉત્તર કોરિયાએ એક નિવેદનમાં ટ્રમ્પ સાથેની બેઠક રદ થવા પર અફસોસ વ્યક્ત કર્યો છે. અને જણાવ્યું છે કે, નોર્થ કોરિયા કોઈપણ સમયે વાટાઘાટ માટે ઈચ્છુક છે. નોર્થ કોરિયાના આ પ્રસ્તાવને ટ્રમ્પે આવકારદાયક ગણાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]