નવી દિલ્હીઃ ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર પ્રાપ્ત નહી કરી શકે. તેમણે કહ્યું કે ઈરાનના અસ્થિર રાષ્ટ્ર હોવાના દિવસો પૂરા થવાના છે. સાથે જ તેમણે કહ્યું કે ઈરાન દ્વારા મિસાઈલ હુમલામાં એક પણ અમેરિકીનું મોત થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે જે દુનિયા માટે સારી વાત છે. ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની મહત્વકાંક્ષા છોડવી જ પડશે. ઈરાનને આતંકવાદનું સમર્થન છોડવું પડશે. અમે ઈરાન સાથે એવી સમજૂતી કરવાનો પ્રયત્ન કરીશું કે જેનાથી દુનિયાને શાંતી તરફ આગળ વધારી શકાય.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન એક સારો દેશ બની શકે છે. શાંતિ અને સ્થિરતા મધ્ય-પૂર્વમાં ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી ઈરાનમાં હિંસા ચાલુ રહેશે. વિશ્વને એકજુટ થઈને ઈરાન વિરુદ્ધ એ સંદેશ જાહેર કરવો પડશે કે ઈરાન દ્વારા ચલાવવામાં આવી રહેલા ટેરર કેમ્પેનને આગળ વધારવાની મંજૂરી નહી આપવામાં આવે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મધ્ય-પૂર્વમાં નાટોની ભૂમીકાને વધારવાની જરુર છે. જનરલ કાસિમ સુલેમાની આખા વિશ્વમાં સિવિલ વોરની સ્થિતિ સર્જી રહ્યો હતો. તેના આ પ્રયાસમાં અમારા હજારો સૈનિકો માર્યા ગયા છે. ઈરાન અમારી સહાયતા કરવાની જગ્યાએ અમેરિકાના મોતની માંગણી કરી રહ્યો હતો. ઈરાન આતંકના રસ્તે આગળ વધ્યું અને ન્યૂક્લિયર ડીલ દ્વારા આખા વિસ્તારને નર્ક બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન વિરુદ્ધ ચીન, રશિયા, ફ્રાંસ અને બ્રિટનને અમેરિકાનો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું કે ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અમેરિકા વિરુદ્ધ મોટુ ષડયંત્ર રચી રહ્યો હતો. તેમણે કહ્યું કે અમે બગદાદીને પણ માર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની આતંકવાદી હતો. તેણે અમેરિકી નાગરિકોની હત્યા કરી હતી. ઈરાનને આતંકવાદ વિરુદ્ધ અમેરિકાનો સાથ આપવો જોઈએ, પરંતુ તે આતંકવાનો પ્રયોજક બની ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ આઈએસઆઈએસના 10 હજાર જેટલા આતંવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની ઉપર વધારે કડક પ્રતિબંધો લગાવવામાં આવશે. પેટ્રોલિયમ અને ઈંધણ પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે પર્યાપ્ત માત્રામાં ઓઈલ અને નેચરલ ગેસ છે. અમેરિકા દુનિયાનું સૌથી મોટુ ઉત્પાદક છે. આપણે મધ્ય-પૂર્વથી તેલ લેવાની કોઈ જરુર નથી.