કશ્મીરમુદ્દે મધ્યસ્થીની ટ્રમ્પની વાત પર અમેરિકી માધ્યમોએ આપી આકરી પ્રતિક્રિયા

વોશિગ્ટન- અમેરિકાના એક જાણીતાં સમાચારપત્રનું માનવું છે કે, કશ્મીર મામલે મધ્યસ્થતા સંબંધી  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન મોટી ભૂલ છે. ટ્રમ્પના આ નિવેદનને મોટી ભૂલ ગણાવતાં સમાચારપત્રનું કહેવું છે કે, ટ્રમ્પ ભારતની સાથે સંબંધ સુધારવા માટે પૂર્વ રાષ્ટ્રપતિઓની ઉપલબ્ધીઓ પર પાણી ફેરવી રહ્યાં છે. સમાચારપત્ર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર ટ્રમ્પે આવું કરીને ઉચ્ચ દરજ્જાની કૂટનીતિક ભૂલ કરી છે, જે એક મહત્વપૂર્ણ દેશને વધુ વિમુખ કરી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે એક નિવેદન આપીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 શિખર સમ્મેલન દરમિયાન કશ્મીર મામલાનો ઉકેલ લાવવા માટે મારી પાસે મદદ માગી હતી. જોકે, ટ્રમ્પના આ નિવેદનને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું.

ધ વોશિગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે ઉચ્ચ દરજ્જાની રાજનીતિક ભૂલ કરી છે. ભારત સાથે વ્યાપાર યુદ્ધ પછી કશ્મીર મામલે તેમની ભૂલ એક મહત્વના દેશને વધુ વિમુખ કરી દેશે. ચીન સાથે હરીફાઈ કરવા માટે અમેરિકાને ભારતની મિત્રતાની જરૂર છે.

અમેરિકાના પ્રમુખ સમાચાર પત્રનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ અને બરાક ઓબામા એ ભારત સાથેના સંબંધોમાં સુધારો કર્યો હતો. ટ્રમ્પના કેટલાક ખોટા શબ્દો આ બધા પર પાણી ફેરવી રહ્યાં છે. સમાચાર  પત્ર અનુસાર તે અફઘાનિસ્તાનથી અમેરિકન દળોને પરત લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. તેમને લાગે છે કે, તે પાકિસ્તાનને ખુશ કરે તો અમેરિકા ત્યાંથી સમ્માન સાથે નીકળી શકશે.

સમાચાર પત્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનથી અમેરિકાને નિકળવામાં મદદ કરવામાં પાકિસ્તાનનું હિત રહેલું છે. આના કારણે તાલિબાન, હક્કાની નેટવર્કના વર્ચસ્વ વધારવામાં મદદ મળશે, પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ ટ્રમ્પને નથી ખબર કે તેમને મુર્ખ બનાવવામાં આવી રહ્યાં છે.