નીરવ મોદી 22 ઓગસ્ટ સુધી બ્રિટનમાં કસ્ટડીમાં રહેશે; પ્રત્યાર્પણ કાર્યવાહી કદાચ 2020 મેમાં

લંડન – પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી અને મની લોન્ડરિંગના કેસોના સંબંધમાં જેને વોન્ટેડ જાહેર કરાયો છે તે હિરાના વેપારી નીરવ મોદીની બ્રિટનની જેલમાંની અદાલતી કસ્ટડીની મુદત 22 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

22 ઓગસ્ટે નીરવ લંડન જેલમાં એની કોટડીમાંથી વિડિયોલિન્ક મારફત જજ સમક્ષ હાજર થશે.

આજે પણ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં નીરવ એની ચાર-અઠવાડિયાની રીમાન્ડ મુદત પૂરી થયા બાદ વિડિયોલિન્ક મારફત જજ ઈમા આર્બટનોટ સમક્ષ હાજર થયો હતો. એ વખતે જજે એવો સંકેત આપ્યો હતો કે નીરવની પાંચ-દિવસની પ્રત્યાર્પણ કેસની કાર્યવાહી 2020ના મે મહિનામાં શરૂ કરાશે. એ વખતે તારીખ બંને પક્ષને મંજૂર હોય તે નક્કી કરાશે.

48 વર્ષીય નીરવ આજે ગ્રે રંગના ટી-શર્ટમાં સજ્જ થયો હતો અને ઘણો આનંદમાં જણાયો હતો.

નીરવને લંડનમાં વોન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. પીએનબી છેતરપીંડી કેસના સંબંધમાં એની ગયા માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી.

જજ ઈમા આર્બટનોટે જ્યારે એમનો નિર્ણય સંભળાવ્યો ત્યારે નીરવે જવાબમાં કહ્યું હતું, ‘ફાઈન, થેંક્યૂ મેમ.’ સાંભળીને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

મોદી વતી કોર્ટમાં બેરિસ્ટર જેસિકા જોન્સ હાજર થયાં હતાં.

બ્રિટનના કાયદા અનુસાર, નીરવ મોદીને દર ચાર અઠવાડિયે કોર્ટમાં હાજર કરવો પડે છે. હવે પછીની તારીખ 22 ઓગસ્ટ આવે છે.

મોદીની જામીન અરજી ત્રણ વાર નકારી કાઢવામાં આવી છે. ચોથી વાર એની અરજી બ્રિટનની હાઈકોર્ટે નકારી કાઢી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]