પન્નુની હત્યાના કાવતરામાં US કોર્ટના ભારત સરકારને સમન્સ

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના સંબંધમાં અમેરિકાની કોર્ટે ભારત સરકાર અને ટોચના અધિકારીઓને સમન્સ જારી કર્યા છે. એના પર કેન્દ્ર સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે. વિદેશ સચિવ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ આરોપ સંપૂર્ણપણે નિરાધાર છે.

અમેરિકાની  કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે. ન્યુ યોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા કોર્ટે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, પૂર્વ રો ચીફ સામંત ગોયલ, રો એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાનાં નામ પર જારી કર્યાં છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

અમેરિકી કોર્ટના સમન્સ પર વિદેશ સચિવે કહ્યું હતું કે આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ તરફ ધ્યાન દોરવા માગું છું જેણે આ કેસ દાખલ કર્યો છે. ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ કેવી રીતે ગેરકાયદે સંગઠન સાથે જોડાયેલા છે. દરેક વ્યક્તિ આ જાણે છે.

કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ

ગુરપતવંત સિંહ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. તેઓ ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા છે. ભારત સરકારે 2020માં ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે.