ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની નિરાશ્રીતોને લગતી બાબતો માટેની એજન્સીનું કહેવું છે કે રશિયાએ આક્રમણ કર્યા બાદ એક જ અઠવાડિયામાં યૂક્રેનમાંથી 10 લાખ જેટલા લોકોને હિજરત કરી જવાની ફરજ પડી છે. દુનિયામાં આટલી ઝડપે આટલા બધા લોકોએ હિજરત કરી હોય એવું છેલ્લાં 100 વર્ષમાં આ પહેલાં ક્યારેય બન્યું નથી. નિરાશ્રીતો માટેનાં યૂએન હાઈ કમિશનર (UNHCR)ના કાર્યાલયનાં મહિલા પ્રવક્તા જુંગ-આહ ઘેડિની-વિલિયમ્સએ એક ઈમેલમાં આમ જણાવ્યું છે.
વર્લ્ડ બેન્કની ગણતરી અનુસાર, 2020માં યૂક્રેનની વસ્તી 4 કરોડ 40 લાખ હતી. એમાંથી બે ટકા જેટલા લોકો છેલ્લા સાત દિવસમાં એમના દેશની સરહદો પાર કરીને પડોશના (મધ્ય યૂરોપના) દેશોમાં નિરાશ્રીત બન્યાં છે. યૂક્રેનવાસીઓની હિજરતનો આ પ્રવાહ હજી સમાપ્ત થયો નથી. એક અંદાજ મુજબ, રશિયાએ આદરેલા લશ્કરી હુમલાઓને કારણે યૂક્રેનમાંથી વધુમાં વધુ 40 લાખ જેટલા લોકો હિજરત કરી જાય એવી સંભાવના છે. હિજરત અને યૂક્રેનવાસીઓની કફોડી સ્થિતિ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા તથા યૂએન સાથે સંકળાયેલી અન્ય જાગતિક સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે.
