તો ભારતને મળી શકે છે UNનું કાયમી સભ્યપદ: અમેરિકા

વોશિંગ્ટન- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને લઈને અમેરિકાએ મહત્વનું નિવેદન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું કે, પરિષદના વર્તમાન માળખામાં જો બદલાવ કરવામાં આવે તો ભારતના કાયમી સભ્યપદનો રસ્તો સરળ થઈ શકે છે. પરંતુ રશિયા અને ચીન ભારતની સ્થાયી સદસ્યતાના માર્ગમાં અવરોધ બનીને ઉભા છે.

નિક્કી હેલીએ જણાવ્યું કે, કાયમી સભ્યપદ મેળવવા માટે જરુરી છે કે, વીટોનો ઉપયોગ કરવામાં ન આવે. વધુમાં હેલીએ કહ્યું કે, ચીન અને રશિયા સુરક્ષા પરિષદના વર્તમાન માળખામાં બદલાવ કરવાની વિરુદ્ધમાં છે.

અમેરિકા અને ભારત મૈત્રી પરિષદ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં નિક્કી હેલીએ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બદલાવ વીટો ઉપર નિર્ભર કરે છે. સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યોમાં વીટોની ક્ષમતા છે. જેમાં રશિયા, ચીન, બ્રિટન, અમેરિકા અને ફ્રાંસનો સમાવેશ થાય છે.

અમેરિકા સુધારા કરવા તૈયાર

નિક્કી હેલીને જ્યારે આ સંબંધમાં અમેરિકાના વલણ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે સકારાત્મક જવાબ આપ્યો હતો. હેલીએ કહ્યું કે, અમેરિકા સુરક્ષા પરિષદમાં સુધારા કરવા તૈયાર છે. અને હમેશા આ મુદ્દે પ્રયાસ કરશે.