વિકાસના કામોથી હિમાલયની નદીઓ પર જોખમ?

શું વિકાસ અને પર્યાવરણ બંને એકબીજાનાં વિરોધી છે? આ વાત વિચારવા જેવી છે. જેટલી ભૌતિક સુખસુવિધાઓ છે તે આપણને સારી લાગે છે પરંતુ તે પર્યાવરણ માટે નુકસાનકારક વધતાંઓછાં અંશે હોય જ છે. ગરમી જયારે ખાસ વધી નહોતી ત્યારે જેમને એસી વસાવ્યાં તે પછી એસી અને સાથે અન્ય કારણોસર ગરમી વધવા લાગે એટલે વધુને વધુ લોકો એસી વસાવવાં લાગ્યાં.

આ જ રીતે પહાડ પર જેને આજકાલની ભાષામાં હિલ સ્ટેશન કહે છે તેના પર ફરવા જવું બધાને ગમે છે પરંતુ પહેલાં માત્ર ટ્રેનમાં જતા પરંતુ હવે તો બધે ડીઝલવાળી કારમાં જવા લાગ્યા છે. આના લીધે પ્રદૂષણ થાય છે. આ જ રીતે પહાડી વિસ્તારમાં રોપવે થવા લાગ્યા છે જે ઘણા માટે સુવિધાજનક છે કારણ કે જે ઘરડાં લોકો પહાડ ચડી શકતાં નથી. તેઓ પાવાગઢ, મનસાદેવી વગેરે મંદિરોમાં રોપવેના કારણે દર્શન કરવા જઈ શકે છે. તો હવે, અમરનાથ, કેદારનાથ, બદ્રીનારાયણ વગેરે મંદિરોમાં વૃદ્ધોના જવા માટે ભાડે હેલિકોપ્ટરની સુવિધા છે. પરંતુ રોપવે અને હેલિકોપ્ટરના લીધે પ્રદૂષણ તો ફેલાય જ છે. આ ઉપરાંત પહાડ પરથી નદીઓ વહે છે તેના પાણીનો લાભ લઈ તેમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા પ્લાન્ટ નખાય છે. ભારતની વસતી વધી રહી છે અને વીજળીનો વપરાશ પણ. રાત્રે દુકાન અને શોરૂમ બંધ હોય છે પરંતુ તેના શાઇન બોર્ડ લાઇટથી ઝળહળા હોય છે. જોવામાં આ નજારો સુંદર લાગે પરંતુ વીજળી વપરાય તેમ નવી વીજળી બનાવવી પણ પડે ને. ઘરમાં વીજળીથી ચાલતાં ઉપકરણો વધી રહ્યાં છે.

તાજેતરમાં એક એનજીઓ હિમધારા દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ અભ્યાસ હિમાલયની નદીઓ પર હતો. અભ્યાસનાં તારણો મુજબ નદીઓની આસપાસ જે વિકાસના કામો થઈ રહ્યાં છે તેના લીધે નદીઓ સંબંધી પર્યાવરણ પર મોટું જોખમ ઊભું થયું છે. આ વિકાસના કામો નદીનાં પ્રવાહને અવરોધે છે. તેના લીધે નદીના પર્યાવરણ પર ગંભીર અસર પડે છે.

હિમાચલ પ્રદેશ હિમાલય પર્વતમાળામાં આવેલું પર્વતીય રાજ્ય છે. તે પંચાવન હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પાંચ મોટા નદી પ્રદેશ આવેલા છે જેમાં સતલજ, રવિ, બ્યાસ, ચેનાબ અને યમુના નદીઓ આવેલી છે. યમુના નદી રાજ્યની અગ્નિ સરહદે વહે છે. તેની પેટા નદીઓ હિમાચલમાંથી ઉદભવે છે જેમાં ગિરી અને તંસનો સમાવેશ થાય છે. તે આગળ પશ્ચિમ બાજુ જાય છે ત્યારે ગંગા નદીના પ્રદેશનો ભાગ પણ બને છે. અન્ય ચાર નદીઓ પૂર્વ તરફ વહેતી સિંધુ નદીની પેટા નદીઓ છે, જે વિશ્વની સૌથી લાંબી નદી છે, જેનો પ્રવાહ નાઇલના પ્રવાહ કરતાં બમણો છે.

હિમધારાના અહેવાલ મુજબ, પાંચ નદીઓના ત્રિકોણ પ્રદેશમાંથી બ્યાસ, સતલજ, યમુના અને રવિના ત્રિકોણ પ્રદેશો સૌથી વધુ જોખમમાં છે. અહેવાલ મુજબ, આ નદીઓ પૈકી મોટાભાગની પર નાની હાઇડ્રો પરિયોજનાઓનું આયોજન છે. તંસ અને ગિરીના ભાગ ડેમના કારણે જોખમ હેઠળ છે.

અહેવાલમાં સૂચવાયું છે કે આ નદીઓને જોખમમાંથી બચાવવાની જરૂર છે. આ માટે એક કાર્યયોજના બનાવવાની જરૂર છે. સાથે જ જે વિસ્તારો પર મધ્યમ જોખમ છે તે અંગે નિયમનકારી સંસ્થાઓ – વન વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પર્યાવરણ વિભાગે પગલાં લેવાની જરૂર છે.

કુદરતને કુદરતી સ્વરૂપમાં રહેવા દેવી જરૂરી છે. નહીં તો કેદારનાથ અને ઉત્તરાખંડમાં આવેલું ૨૦૧૩નું વિનાશક પૂર, ભૂસ્ખલન યાદ કરવું જોઈએ. આપણે પર્યાવરણને જો નહીં બચાવીએ તો પર્યાવરણ રૌદ્રરૂપ લઈ આપણને નહીં બક્ષે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]