કાઈવઃ યૂક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ યૂક્રેન વિરુદ્ધ આતંકવાદ ફેલાવ્યો છે અને એમાં રશિયાને મદદ કરવા બદલ ઈરાનને શિક્ષા કરવી જ જોઈએ. ઝેલેન્સ્કીએ એવો આરોપ મૂક્યો છે કે ઈરાનની સરકાર યૂક્રેન-રશિયા યુદ્ધને લંબાવવામાં મદદ કરે છે. યુદ્ધ લંબાવાથી યૂક્રેનમાં અન્ન અને ઉર્જા પૂરવઠા પર માઠી અસર પડી છે એને ઈરાન વકરાવે છે. ઝેલેન્સ્કીએ એમના દૈનિક સંબોધનમાં કહ્યું હતું કે ઈરાન જો હુમલાખોર રશિયાને શસ્ત્રો પૂરા પાડતું ન હોત તો આપણે અત્યાર સુધીમાં શાંતિની નિકટ આવી ગયા હોત.
ઉલ્લેખનીય છે કે રશિયાએ વીજઉત્પાદન એકમો પર હુમલા કરતાં યૂક્રેનના પાટનગર કાઈવ તથા ઉત્તર અને મધ્ય યૂક્રેનના અન્ય છ પ્રાંતમાં વીજળીની તંગીને કારણે અંધારપટની સમસ્યા છે.