ટાન્ઝાનિયામાં 40-પ્રવાસીઓ સાથેનું વિમાન સરોવરમાં ખાબક્યું

દાર-એ-સલામ: 40 જેટલા પ્રવાસીઓ સાથેનું એક પેસેન્જર વિમાન આજે સવારે લેક વિક્ટોરિયાના કાંઠા નજીક તૂટી પડ્યું હતું. વિમાન ટાન્ઝાનિયાના પશ્ચિમી શહેર બુકોબાના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં જ હતું ત્યાં એ નજીકના સરોવરમાં પડી ગયું હતું. દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ જણના મરણ થયા છે. 26 જણને ઉગારી લેવામાં આવ્યા છે. બંને પાઈલટ બચી ગયા છે, પરંતુ એમના કોકપિટમાં ફસાઈ ગયા હતા. એમને બચાવવાની કામગીરી ચાલુ હતી. સરોવરમાં પડી ગયા બાદ વિમાન લગભગ આખું જ પાણીમાં ડૂબી ગયું હતું. માત્ર એનો પૂંછડીનો ભાગ જ થોડોક બહાર દેખાતો હતો.

વિમાન દાર-એ-સલામથી બુકોબા જતું હતું, પરંતુ વાવાઝોડું ત્રાટકતાં એ સરોવરમાં જઈ પડ્યું હતું. વિમાન ટાન્ઝાનિયાની ખાનગી એવિએશન કંપની પ્રીસિસન એરનું હતું, જે ટાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઈન છે. લેક વિક્ટોરિયા આફ્રિકા ખંડનું સૌથી મોટું અને દુનિયાનું બીજા નંબરનું મોટું સરોવર છે, જે ટાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડા – એમ ત્રણ દેશની ધરતી પર ફેલાયેલું છે.