યૂક્રેનનો દાવોઃ અમે એક જ રાતમાં રશિયાના 35 ડ્રોન તોડી પાડ્યા

કાઈવઃ યૂક્રેનના લશ્કરના ટોચના કમાન્ડે દાવો કર્યો છે કે તેના દળોએ ગઈ કાલે એક જ રાતમાં રશિયાએ જુદા જુદા ટાર્ગેટ્સ પર છોડેલા તમામ 35 ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ડ્રોન ઈરાની બનાવટના શાહેદ નામવાળા હતા. રશિયન ફેડરેશને ગઈ કાલે એક જ રાતમાં 16 મિસાઈલ હુમલા પણ કર્યા હતા.

યૂક્રેનના સશસ્ત્ર દળોના વડાએ કહ્યું કે રશિયામાંથી યૂક્રેનના ખાર્કિવ, ખરસન, માઈકોલેઈવ અને ઓડેસા શહેરોને લક્ષ્ય બનાવીને મિસાઈલ છોડવામાં આવી હતી. છેલ્લા એક દિવસમાં રશિયામાંથી યૂક્રેનના દળોએ જ્યાં પોઝિશન બનાવી છે તે સ્થાનો તથા નાગરિક વસ્તીવાળા વિસ્તારોને ટાર્ગેટ બનાવીને 61 હવાઈ હુમલા કર્યા છે. કમનસીબે, અમુક હુમલામાં કેટલાક નાગરિકો માર્યા ગયા છે તો કેટલાક ઘાયલ થયા છે. કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે.