લંડનઃ બ્રિટનના ભારતીય મૂળના હિન્દૂ વડા પ્રધાન રિશી સુનક અને એમના પત્ની અક્ષતા મૂર્તિ-સુનકે ગઈ કાલે અહીં એમના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દૂ સમુદાયના મહેમાનોને આમંત્રિત કર્યાં હતાં.
સુનકના કાર્યાલયે તે કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વડા પ્રધાન રિશી સુનકે અંધકાર પર પ્રકાશના વિજયનો આનંદ દર્શાવતા દિવાળી તહેવારની ઉજવણી પૂર્વે આજે રાતે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં હિન્દૂ સમુદાયના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર બ્રિટનમાં તેમજ દુનિયાભરમાં વસતાં દરેક જણને દિવાળીની શુભેચ્છા.’
તે પ્રસંગે અક્ષતા મૂર્તિ આછા ગુલાબી રંગનાં કુર્તામાં અને હાથમાં બંગડીઓ સાથે સજ્જ થયાં હતાં જ્યારે રિશી સુનક ઔપચારિક લુકમાં હતા.
રિશી સુનક ભારતના પંજાબી મૂળના છે અને ધર્મનિષ્ઠ હિન્દૂ છે. પોતાનો જન્મ જ્યાં થયો હતો તે સાઉથમ્પ્ટન શહેરના મંદિરમાં અવારનવાર દર્શન કરવા જતા હોય છે. સુનક દંપતીએ તાજેતરમાં ભારતના પ્રવાસ વખતે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.
(તસવીર સૌજન્યઃ @10DowningStreet)